16

સ્પાની આડમાં કુટણખાનું
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખામાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ સ્પામાં દરોડા પાડીને 1 મહિલા સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા છે. શહેર પોલીસને ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા અને બોડી મસાજના નામે ચાલતી દેહવિક્રયની પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવાની સૂચના મળી હતી જે અનુસંધાને એસપી રિંગ રોડ પરના એક કોમ્પલેક્ષમાંથી નિકોલ પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું છે.
બ્લ્યુ ઓશન સ્પામાં દરોડા
કઠવાડા એસપી રિંગ રોડ પર આવેલા સુર્યમ ટ્રેડ સેન્ટરમાં બ્લ્યુ ઓશન સ્પામાં પોલીસે રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન સ્પાના કાઉન્ટર પર એક યુવતી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા સ્પા સેન્ટરનો માલિક સમીરખાન પઠાણ હોવાનું ખુલ્યું હતું. સ્પા સેન્ટરમાંથી પોલીસને અન્ય બે યુવતીઓ પણ મળી આવી હતી. આ યુવતીઓને સ્પાના માલિક સમીરખાન પઠાણ દ્વારા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સમીરખાન આ યુવતીઓને ગ્રાહક દીઠ 500 રૂપિયા અપાતો હોવાનું પણ ખુલવા પામ્યું છે. ત્યારે સમગ્ર મામલે નિકોલ પોલીસે સ્પા ના મેનેજર તરીકે કામ કરતી યુવતી સહિત સ્પાના માલિક સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં જ અમદાવાદનાં વસ્ત્રાપુરમાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ કરી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે વધુ એક કુટણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે આગામી દિવસોમાં પણ શહેરમાં ચાલતા અન્ય સ્પા અને બોડી મસાજ સેન્ટરમાં આ જ રીતે અચાનક દરોડા પાડી દેહવેપારના વેપલાને નાબૂદ કરવા કમર કસી છે.