Ahmedabad: શહેરમાં AMC ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી
- Ahmedabad: શહેરમાં જાન્યુઆરી માસમાં ખાદ્ય પદાર્થોના કુલ 570 નમૂના લેવાયા
- 1485 એકમોમાં તપાસ હાથ ધરી અનેક એકમો સીલ કરાયા
- પાણીપુરીના 1319 નમૂનામાંથી 291માં હાનિકારક કલર મળ્યો
Ahmedabad: અમદાવાદમાં AMC ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં શહેરમાં જાન્યુઆરી માસમાં ખાદ્ય પદાર્થોના કુલ 570 નમૂના લેવાયા હતા. તેમાં 1485 એકમોમાં તપાસ હાથ ધરી અનેક એકમો સીલ કરાયા છે. જેમાં પાણીપુરીના 1319 નમૂનામાંથી 291માં હાનિકારક કલર મળ્યો છે. તથા 1126 કિલો અને 1318 લીટર બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો છે. તેમજ શિયાળુ પાક, દૂધ અને મીઠાઈ સહિતની ચીજોના નમૂના લેવાયા છે.
મસાલા, નમકીન અને બેકરી પ્રોડક્ટ્સમાં પણ સઘન ચેકિંગ કરાયું
મસાલા, નમકીન અને બેકરી પ્રોડક્ટ્સમાં પણ સઘન ચેકિંગ કરાયું છે. જેમાં તમામ ઝોનમાં ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ પર તંત્રની લાલ આંખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારમાં ખાદ્ય ચીજોના નમુના લેવાની અને ચેકિંગની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
Ahmedabad: કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા
જાન્યુઆરી માસ દરમિયાન કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ડ્રાયફ્રૂટ, ગોળ સહિતના 56 શિયાળુ પાકના નમુના,દૂધ અને દૂધની બનાવટોના 14 નમુના, બેકરી પ્રોડક્ટ્સના 17 નમુના, ચોકલેટ્સ, સુગર બોઈલ્ડ કન્ફેક્શનરીના 59 નમુના, મીઠાઈ, જલેબીના 41 નમુના, ઉંધીયુના 10, નમકીનના 27, બેસન, લોટ, મેંદો, અનાજના 32, ખાદ્યતેલના 9, બેવરેજીસ, ઠંડાપીણાના 2, મસાલાના 69 તેમજ અન્ય ખાદ્યચીજવસ્તુઓના 234 સહિત કુલ 570 ચીજ વસ્તુઓના નમુનાનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ચકાસણી દરમિયાન નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
1485 એકમોમાં તપાસ કરી 523 નોટિસ ઈસ્યુ કરી હતી
1485 એકમોમાં તપાસ કરી 523 નોટિસ ઈસ્યુ કરી હતી. વાસી ખોરાક, સડેલા ફળો, પાણીપુરીના પાણી સહિત બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ પેટે 5.73 લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 235 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસ દરમિયાન પાણીપુરીના પાણી અને રગડા સહિત કુલ 1319 નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી 291 નમુનાઓમાં હાનિકારક ફુડ ગ્રેડ કલર અને બિનઆરોગ્યપ્રદ તત્વો મળી આવ્યા હતા. આ તમામ પાણીપુરીના એકમોને જે તે ઝોનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલા છે.
આ પણ વાંચો: Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા શહેરમાં ક્લીન એર માટે પ્રયાસ


