Ahmedabad : ગાંધીના ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? બોપલમાં Rave Party પર દરોડા, 15 થી વધુની ધરપકડ
- અમદાવાદમાં Rave Party પર ત્રાટકી પોલીસની ટીમ
- શીલજના ઝેફાયર ફાર્મ પર બોપલ પોલીસના દરોડા
- હુક્કા અને દારૂની મહેફીલ માણતા પકડાયા
- પોલીસે રેવ પાર્ટીમાંથી 15 યુવાનોને ઝડપી પાડ્યા
- વિદેશી દારૂની બોટલો અને હુક્કાનો સામાન મળી આવ્યો
Ahmedabad Rave Party : ગાંધીના ગુજરાતમાં એકવાર ફરી દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ શહેરના પોશ અને પ્રતિષ્ઠિત વિસ્તારોમાં 'હાઈપ્રોફાઈલ' દારૂની મહેફિલો ધમધમી રહી હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં મોડી રાત્રે ચાલી રહેલી એક રેવ પાર્ટી પર બોપલ પોલીસે દરોડો પાડી 15 લોકોને દારૂ પીતા અને હુક્કાની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ઝેફાયર ફાર્મ પર દારૂ અને હુક્કાની મહેફિલ
બોપલ પોલીસ દ્વારા અચાનક પાડવામાં આવેલા દરોડાએ રાજ્યની દારૂબંધીની કડક અમલવારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સૂત્રોની માનીએ તો, બોપલ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે શીલજ વિસ્તાર નજીક આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં એક રેવ પાર્ટી ચાલી રહી છે, જેમાં દારૂની રેલમછેલ છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરીને ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે પાર્ટીમાં હાજર લોકો દારૂના નશામાં ચૂર હતા અને હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે વિદેશી દારૂની બોટલો અને હુક્કાનો સામાન જપ્ત કરી દારૂબંધીના ભંગ બદલ 15 લોકોની ધરપકડ કરી હતી.
Rave Party માં વિદેશી નાગરિકોની મોટી સંખ્યા
આ દરોડામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પકડાયેલા 15 લોકોમાંથી મોટાભાગના વિદેશી નાગરિકો હતા. ઝડપાયેલાઓમાં માત્ર 2 ભારતીયો હતા, જ્યારે અન્ય 13 વ્યક્તિઓ એનઆરઆઈ (NRI) અને વિદેશી નાગરિકો હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ પાર્ટીમાં નાઈઝિરીયા, આફ્રિકા, મોઝામ્બિક અને કેન્યા જેવા દેશોના નાગરિકો મોજ માણી રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની હાજરીથી પાર્ટીના આયોજનના સ્તરની ગંભીરતા સ્પષ્ટપણે સમજી શકાય છે.
'અનલિમિટેડ દારૂ'ના પાસ છપાયા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ એક મોટી અને ચોંકાવનારી વિગત સામે આવી છે. આ 'શરાબ-શબાબ'ની પાર્ટીના આયોજકોએ તેમાં ભાગ લેવા માટે ખાસ પાસ છપાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ પાસ પર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પાર્ટીમાં 'અનલિમિટેડ દારૂ' પી શકાશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ પાર્ટી કોઈ સામાન્ય વ્યક્તિગત મેળાવડો નહોતો, પરંતુ મોટું અને વ્યવસ્થિત રીતે આયોજિત ઇવેન્ટ હતું, જેમાં દારૂ પીવાની છૂટ ખુલ્લેઆમ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Shocking : ડ્રગ્સના નશામાં પિતા બન્યો હેવાન! 14 વર્ષની પુત્રીને પીંખી નાખી