Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વિરમગામ-ધોળકાનાં દર્દીઓનાં પરિવારોએ સ્વજનનું અંગદાન કરી જનસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી

દેશની અગ્રગણ્ય તબીબી સંસ્થાઓ પૈકીની એક અમદાવાદ સિવિલ હોસ્પિટલ અદ્યતન સારવાર સાથે અંગદાન ક્ષેત્રે જાગૃતિ કાર્યક્રમો સહિત વિક્રમજનક અંગદાન થકી જનસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે. સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે વધુ એક પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરી છે. બે બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારે દુઃખની ઘડીમાં લીધેલા ઉમદા નિર્ણયથી 6 મહામૂલા અંગોનું દાન મળ્યું, જે 6 લોકોને નવજીવન આપશે.
ahmedabad   વિરમગામ ધોળકાનાં દર્દીઓનાં પરિવારોએ સ્વજનનું અંગદાન કરી જનસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી
Advertisement
  1. Ahmedabad ની સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્રાંતિ!
  2. અત્યાર સુધીમાં 220 દાતા થકી મળ્યું 911 અંગોનું દાન!
  3. વિરમગામ-ધોળકાનાં દર્દીઓનાં પરિવારોએ સ્વજનનું અંગદાન કર્યું
  4. 6 મહામૂલા અંગોનું દાન મળ્યું, 6 લોકોને નવજીવન આપશે!

Ahmedabad : દેશની અગ્રગણ્ય તબીબી સંસ્થાઓ પૈકીની એક એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અદ્યતન સારવાર સાથે અંગદાન ક્ષેત્રે સતત જાગૃતિ કાર્યક્રમો સહિત વિક્રમજનક અંગદાન થકી જનસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહી છે. તાજેતરમાં, સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે વધુ એક પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 9 કલાકના ટૂંકા ગાળામાં બે બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારે દુઃખની ઘડીમાં લીધેલા ઉમદા નિર્ણયથી 6 મહામૂલા અંગોનું દાન મળ્યું છે, જે 6 લોકોને નવજીવન આપશે. આ ઘટના સિવિલ હોસ્પિટલનાં અંગદાન કાર્યક્રમની સફળતા અને લોકોમાં જાગૃતિના વધતા સ્તરનો જીવંત પુરાવો છે.

Ahmedabad, નિર્ણાયક 9 કલાક: 2 અંગદાન થકી 6 જીવનને મળ્યું વરદાન

વિરમગામનાં ખેંગારીયા ગામના 35 વર્ષીય સંજયભાઈને 14 નવેમ્બરનાં રોજ હેમરેજ થતાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. 72 કલાકની સઘન સારવાર બાદ 17 નવેમ્બરના રોજ ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમના ડો. મોહિત ચંપાવતે પરિવારને સમજાવતાં, તેમના પત્ની સજનબેને બ્રેઇન ડેડ પતિના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી, જેના થકી 2 કિડની અને 1 લિવરનું દાન મળ્યું. એ જ રીતે, 48 વર્ષીય મહિલા દર્દી ICU માં સારવાર દરમિયાન 17 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. અંગદાન ટીમના ડો. ભાવેશ પ્રજાપતિ દ્વારા અંગદાન વિશે સમજાવ્યા બાદ, પરિવારે પોતાના સ્વજનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી બે કિડની અને એક લિવરનું દાન મળ્યું હતું.

Advertisement

Advertisement

આજદિન સુધી કુલ 220 અંગદાતાઓએ અંગદાન કર્યું : ડો. રાકેશ જોશી

સિવિલ હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આ અંગદાન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ અંગદાનમાં 4 કિડની અને 2 લિવરનો સમાવેશ થાય છે, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલનાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ડો. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અંગદાન કાર્યક્રમ શરૂ થયા પછી આજદિન સુધી કુલ 220 અંગદાતાઓએ અંગદાન કર્યું છે.

આ પણ વાંચો - Chhota Udepur : બોડેલી ગામમાં ગાયો પર વારંવાર હુમલાની ઘટનાથી સ્થાનિકોનો આક્રોશ!

સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિઓ*

- સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં અંગો તેમ જ પેશીઓ મળીને કુલ 911 અંગોનું દાન મેળવવામાં આવ્યું છે.
- આ ઐતિહાસિક દાનમાં 404 કિડની, 194 લિવર, 71 હૃદય, 34 ફેફસાં, 18 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાનાં આંતરડાં સહિતના અંગોના દાનનો સમાવેશ થાય છે.
- સાથે જ, 156 ચક્ષુ અને 26 ચામડી સહિત કુલ 182 પેશીઓનું દાન પણ પ્રાપ્ત થયું છે.

અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલની આ સિદ્ધિ માત્ર આંકડાકીય સિદ્ધિ નથી, પરંતુ અંગદાનની પ્રવૃત્તિને ગુજરાતના સમાજમાં મળી રહેલી વ્યાપક સ્વીકૃતિની સાબિતી છે. ડો. જોષીએ અંતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની ટીમ, અંગદાન મેળવનાર અને પ્રત્યારોપણ કરનાર અન્ય હોસ્પિટલો સાથે સંકલન કરીને આ મહત્ત્વપૂર્ણ કાર્યને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી રહી છે. આ તમામ અંગદાતા પરિવારોનો સદાય આભાર વ્યક્ત કરીને, હોસ્પિટલ વતી વધુમાં વધુ લોકો અંગદાનનાં આ પવિત્ર કાર્યમાં જોડાય તેવી અપીલ કરવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Dahod : ગરબાડામાં સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનો શુભારંભ

Tags :
Advertisement

.

×