Ahmedabad Bomb Threat News: ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. કેટલીક મહત્વપૂર્ણ કચેરીઓ જેવી કે મુખ્યમંત્રીનું કાર્યાલય (CM Office), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ધમકીભર્યા ઈમેલની વિગતો
ગઈકાલે મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેલમાં "બોમ્બ ધમાકે અમદાવાદ મેયર મ્યુનિસિપલ ઓફિસ" અને "ગુંજેજા ખાલિસ્તાન" જેવા ભયાનક લખાણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઈમેલ 'ખાલિસ્તાની નેશનલ આર્મી'ના નામે મોકલવામાં આવ્યો છે. ખાસ કરીને, મેઈલમાં 1984 માં પંજાબમાં થયેલા 'ઓપરેશન બ્લુસ્ટાર' અને 'ઓપરેશન વુડરોઝ'નો સંદર્ભ આપવામાં આવ્યો છે. તેમાં તે સમયે માર્યા ગયેલા શીખ લોકોના મૃત્યુનો બદલો લેવાની વાત કરીને અમદાવાદની આ મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાની ચીમકી આપવામાં આવી છે.
ધમકી મામલે સાયબર ક્રાઈમે નોંધી ફરિયાદ
આ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પોલીસે તાત્કાલિક ધોરણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા જ ફરિયાદી બનીને આ ગંભીર ગુના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની સ્પેશિયલ ટીમ અત્યારે ઈમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવા માટે સક્રિય બની છે. તપાસના ભાગરૂપે પોલીસ ઈમેલનું IP એડ્રેસ અને મોકલનારનું ચોક્કસ લોકેશન મેળવવા માટે ટેકનિકલ એનાલિસિસ કરી રહી છે.
પોલીસે તપાસ કરી તેજ
એકસાથે ત્રણ મહત્વના સ્થાનોને નિશાન બનાવવાની ધમકીને પગલે શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. જોકે આ ધમકી પાછળ કોઈનું વ્યક્તિગત ષડયંત્ર છે કે કોઈ સંગઠિત જૂથનો હાથ, તે તપાસના અંતે જ સ્પષ્ટ થશે. પોલીસ હાલમાં ઈમેલ મોકલનાર સુધી પહોંચવા માટે તમામ સ્તરે પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો: Bomb Threat News: Ahmedabad અને Gandhinagar માં બોમ્બ બ્લાસ્ટની ધમકી, AMC, CM ઓફિસ અને RSS કાર્યાલય ટાર્ગેટ પર