2030માં કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થશે
કોમનવેલ્થ ગેમ્સની પ્રથમ આવૃત્તિ વર્ષ 1930માં કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાઈ હતી. હવે વર્ષ 2030માં આ રમતોને 100 વર્ષ પૂર્ણ થશે અને આ શતાબ્દી ઉજવણીનું આયોજન અમદાવાદમાં થવાનું છે. તેથી આ ગેમ્સ સામાન્ય સ્પોર્ટ્સ ઇવેન્ટ નહીં રહે, પરંતુ સમગ્ર કોમનવેલ્થ માટે ઐતિહાસિક ઉજવણી બની રહેશે. અમદાવાદ માટે પણ આ ગૌરવની ક્ષણ છે. શહેર માત્ર યજમાન તરીકે નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ, પરંપરા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજન ક્ષમતાનું વૈશ્વિક પ્રદર્શન કરશે.
ગ્લાસગોમાં થશે ઐતિહાસિક હેન્ડઓવર સમારોહ
રવિવારે યોજાનારા સમાપન સમારોહમાં ગ્લાસગો 2026 તરફથી અમદાવાદ 2030ને યજમાનપદનું સત્તાવાર હસ્તાંતરણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેશે. સમારોહ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને યજમાન બેટન અમદાવાદને સોંપવામાં આવશે. આ પરંપરા દરેક કોમનવેલ્થ ગેમ્સમાં આગામી યજમાન શહેરને જવાબદારી સોંપવાનું પ્રતિક માનવામાં આવે છે. આ હેન્ડઓવર સાથે વિશ્વને એ સંદેશ પણ આપવામાં આવશે કે હવે આગામી 4 વર્ષ સુધી કોમનવેલ્થ ગેમ્સનું કેન્દ્ર અમદાવાદ રહેશે.
કિંગ્સ બેટન રિલે શું છે? કેમ છે એટલું ખાસ?
કોમનવેલ્થ ગેમ્સની સૌથી જાણીતી પરંપરાઓમાં કિંગ્સ બેટન રિલે (King's Baton Relay)નો સમાવેશ થાય છે. ઓલિમ્પિકમાં જેમ ટોર્ચ રિલેનું વિશેષ મહત્ત્વ હોય છે, તેમ કોમનવેલ્થ ગેમ્સમાં બેટન રિલે સૌથી મહત્વપૂર્ણ પ્રતિક છે. આ બેટન કોમનવેલ્થના તમામ 74 દેશો અને પ્રદેશોમાં પ્રવાસ કરે છે. દરેક દેશ માટે અલગ બેટન તૈયાર કરવામાં આવે છે, જેને તે દેશ પોતાની સંસ્કૃતિ, કલા અને ઓળખ મુજબ શણગારી શકે છે. દરેક બેટનમાં કિંગ ચાર્લ્સ IIIના સંદેશાનો એક ભાગ સમાવિષ્ટ હોય છે. ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આ સંદેશ વાંચવામાં આવે છે, જે કોમનવેલ્થ દેશો વચ્ચે એકતા, મિત્રતા અને સહયોગનો સંદેશ આપે છે.
બેટનનો રસપ્રદ ઇતિહાસ
કિંગ્સ બેટન રિલેની શરૂઆત વર્ષ 1958માં કાર્ડિફમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સથી થઈ હતી. ત્યારથી દરેક આવૃત્તિમાં આ પરંપરા જાળવવામાં આવી છે. આ બેટનની ઊંચાઈ અંદાજે 470 મિમી હોય છે અને તેની દરેક બાજુ લગભગ 70 મિમી પહોળી હોય છે. પરંતુ તેનું સાચું મહત્ત્વ તેના કદમાં નહીં, પરંતુ તેમાં રહેલા પ્રતીકાત્મક સંદેશમાં છે. આ બેટનને વિવિધ દેશોમાં લઈ જનાર લોકો સામાન્ય રીતે એવા પ્રેરણાદાયી વ્યક્તિઓ હોય છે, જેમણે રમતગમત, સામાજિક સેવા, શિક્ષણ અથવા સમાજ પરિવર્તનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
ગ્લાસગોથી અમદાવાદ સુધી સંસ્કૃતિનો સંગમ
આ વખતે હેન્ડઓવર સેરેમની માત્ર ધ્વજ અને બેટન સોંપવાની વિધિ પૂરતી મર્યાદિત નહીં રહે. આયોજકોએ સમગ્ર કાર્યક્રમને 3 અલગ-અલગ એક્ટમાં તૈયાર કર્યો છે. પ્રથમ એક્ટમાં 'વંદે માતરમ'ના 150 વર્ષની ઉજવણી કરવામાં આવશે. બીજા એક્ટમાં ભારતીય અને સ્કોટિશ સંગીતનો અનોખો સંગમ જોવા મળશે. પ્રખ્યાત સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઇપવાદક રોસ એન્સલી વચ્ચે વિશેષ જુગલબંધી રજૂ થશે, જે ગ્લાસગો 2026 અને અમદાવાદ 2030 વચ્ચે સાંસ્કૃતિક સેતુનું કામ કરશે. ત્રીજા અને અંતિમ એક્ટમાં ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાતને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રસ્તુતિ દ્વારા વિશ્વને અમદાવાદ 2030ની પ્રથમ ઝલક મળશે.
વિશ્વ સમક્ષ અમદાવાદની પ્રથમ ઓળખ
ગ્લાસગો 2026ના ચીફ માર્કેટિંગ એન્ડ સેરેમનીઝ ઓફિસર લુઈસા મેહોએ જણાવ્યું છે કે, આ હેન્ડઓવર માત્ર ઔપચારિકતા નથી, પરંતુ 2 દેશોની સંસ્કૃતિ અને ભાવનાઓને જોડતી વિશેષ ક્ષણ છે. તેમણે કહ્યું કે, ગ્લાસગોના દર્શકોને અમદાવાદ 2030માં શું જોવા મળશે તેની પ્રથમ ઝલક આ સમારોહમાં જ મળશે. ગ્લાસગો 2026ના સેરેમની ડિરેક્ટર ચંદા સિંહએ પણ જણાવ્યું કે તેમનો પ્રયાસ એવો ભારત રજૂ કરવાનો છે, જે આધુનિક પણ છે અને પોતાની પરંપરાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું પણ છે. તેમના મતે અમદાવાદમાં યોજાનારી 100મી વર્ષગાંઠની કોમનવેલ્થ ગેમ્સની સફરનો આ સમારોહ પ્રથમ અધ્યાય છે.
અમદાવાદ માટે કેમ મહત્વપૂર્ણ છે આ આયોજન?
2030ની કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહીં રહે. આ આયોજનથી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, હોટેલ ઉદ્યોગ, પર્યટન, રોજગારી અને વૈશ્વિક રોકાણને પણ મોટો ફાયદો થવાની શક્યતા છે. સરકાર પહેલેથી જ રમતગમતના આધુનિક માળખા, ટ્રાફિક વ્યવસ્થા, ખેલાડીઓ માટેની સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના વિકાસકાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગામી 4 વર્ષ દરમિયાન અમદાવાદમાં અનેક મોટા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે.
આ પણ વાંચો : India Medal Tally CWG 2026 : માત્ર 3 કલાકમાં ભારતે 3 ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીતતા મેડલ ટેલીમાં લગાવી મોટી છલાંગ