Ahmedabad માં વાવાઝોડા સાથે વરસાદ, શું IPL ને નડશે વરસાદનું વિઘ્ન?
- Ahmedabad ના અનેક વિસ્તારોમાં વરસાદ
- વટવા, હાથીજણ વિસ્તારમાં વરસાદ
- રામોલ, અસલાલી વિસ્તારમાં ધોધમાર વરસાદ
- આજથી 5 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપોની કરી આગાહી
Ahmedabad: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા એકાએક પલટાએ સૌને ચોંકાવી દીધા છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા અને ખેડા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ધોમધખતા તાપની વચ્ચે અચાનક આવેલા આ 'માવઠા'એ એકતરફ લોકોને ગરમીથી રાહત આપી છે, તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. બીજી તરફ આ આવતીકાલે IPL 2026 ની સીઝનની અમદાવામાં પ્રથમ મેચ રમાશે. તેવામાં જ કમોસમી વરસાદે ધબદાટી બોલાવતાં ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી છે.
Ahmedabad અને દસ્ક્રોઈ પંથકમાં કરા સાથે વરસાદ
આગાહી અનુસાર આજે અમદાવાદ શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વટવા, હાથીજણ, રામોલ અને અસલાલી જેવા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. દસ્ક્રોઈ રિંગરોડથી મહેમદાવાદ તરફના પટ્ટામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વરસાદ ક્રિકેટ મેચમાં પાડશે ભંગ?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની સીઝન માટે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT) તેની પ્રથમ મેચ 4 એપ્રિલ 2026 ના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. જોકે એકાએક કમોસમી વરસાદ તૂટી પડતાં ક્રિકેટ રસિકોના ઉત્સાહમાં ભંગ પડ્યો છે. આવતીકાલે પણ વરસાદનું આ જ રૂપ જોવા મળે તો ક્રિકેટ રસિકોની મજા બગડી શકે છે. રુપિયા ખર્ચીને લીધેલી ટીકિટ્સના રુપિયા પણ માથે પડી શકે છે. જેથી લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આવતીકાલે મેઘરાજા ન વરસે.
આગાહી સાચી ઠરી, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરતી જોવા મળી છે. આજ સાંજથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું. અંબાજી, દાંતા અને હડાદ પંથકમાં ભારે પવન ફૂંકાવાને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અંબાજીમાં ધીમી ધારે વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે દાંતામાં માવઠું પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ હતી, ત્યારે બીજી તરફ આકાશમાં સુંદર મેઘધનુષ્યના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેણે કુતૂહલ સર્જ્યું હતું.
મહેસાણા અને ભાલ પંથકમાં વરસાદી ઝાપટા
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી, ઉનાવા અને મોઢેરા પંથકમાં પણ કમોસમી વરસાદે હાજરી પુરાવી છે. બીજી તરફ, અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા પંથકમાં પણ વાતાવરણ પલટાયું હતું. ભાલ પંથકના ધોલેરા, આંબલી અને સાંઢીડા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ધોમધખતી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને આંશિક રાહત ચોક્કસ મળી છે, પરંતુ ખેડૂતો માટે આ આફત સમાન સાબિત થઈ રહ્યો છે.
ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ
ખેડા જિલ્લામાં પણ માતર પંથકના ગ્રામીણ વિસ્તારો જેવા કે ભલાડા, સાયલા અને શેખુપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટથી જાણે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લાના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પાટણમાં ખેડૂતોના માથે સંકટ
પાટણમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ઘઉં અને જીરા સહિતના પાકોમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.
ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા
વાતાવરણમાં આવેલા આ અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી રાજ્યમાં ક્યાંય પણ કોઈ મોટી જાનહાનિ કે ગંભીર મિલકત નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અને કાપણી કરેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની શું છે આગાહી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ક્રિકેટ રસિકોને જ નહીં ધરતીપુત્રીને પણ ચિંતામાં મૂકાયા તેવી આગાહી વ્યક્ત કરી છે. આજથી 5 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપોની આગાહી કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિત બનાસકાંઠામાં વરસાદ પડશે.પંચમહાલ સહિત વડોદરામાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ વધશે અને આગામી 16 એપ્રિલથી ગરમીનું જોર વધવાની શક્યતા છે. જ્યારે મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.આગામી 13 મેથી 20મે દરમિયાન સમુદ્રમાં ભારે મોજા આવશે.
આ પણ વાંચોઃ કડીમાં Love Marriage ની સજા લોહીથી લખાઈ: પરિણીતા પર પિયર પક્ષનો હુમલો, સાસુ-જેઠાણીને પણ ન છોડ્યા!


