Ahmedabad Drugs Case: નરોડા પોલીસની મોટી કાર્યવાહી, 14 કરોડ 16 લાખ 80 હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો
Ahmedabad Drugs Case: Ahmedabad ના નરોડા વિસ્તારમાં પોલીસે નશાબંધી અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મેળવતી છે. પોલીસે 14 કરોડ 16 લાખ 80 હજાર રૂપિયાની કિંમતનું 7 કિલો 84 ગ્રામ 'મેથામ્ફેટામાઇન' ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
Ahmedabad માં મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે નાના ચીલોડા સર્કલ પાસેથી ગેટકો પાવર સ્ટેશન સામે મુંબઈના અંધેરી વેસ્ટના રહેવાસી મોહમ્મદ સાજીદ મોહમ્મદ ઉસ્માન શેખને પોલીસે અટકાવ્યો હતો. આરોપીની ટ્રાવેલ બેગની તપાસ કરતા તેમાંથી બિસ્કિટના બોક્સ મળી આવ્યા હતા, જેની અંદર અત્યંત કુશળતાપૂર્વક છુપાવેલો સફેદ ચળકાટવાળો પાવડર મળી આવતા પોલીસે FSLની મદદ લીધી હતી, જેમાં તે હાઈ-ક્વોલિટીનું નશીલું ડ્રગ્સ હોવાની પુષ્ટિ થઈ હતી.
મુંબઈથી જયપુર અને અમદાવાદ સુધી ફેલાયેલું નેટવર્ક પકડાયું
આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની આ કડીમાં સામે આવ્યું છે કે, આરોપી આ ડ્રગ્સ જયપુરના સિંધી કેમ્પ બસ સ્ટેશન પાસેથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવીને મુંબઈ લઈ જવાનો હતો. જોકે, બસ ન મળવાને કારણે તે અમદાવાદ થઈને મુંબઈ જવા નીકળ્યો હતો ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે અગાઉ પણ અમૃતસરથી મુંબઈ આ રીતે પાર્સલ પહોંચાડી ચૂક્યો છે અને આ કામના બદલામાં તેને દરેક ટ્રીપ દીઠ 10 ,000 રૂપિયાનું મહેનતાણું મળતું હતું. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત 9 હજારથી વધુ રોકડ રકમ પણ જપ્ત કરી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસની તપાસમાં આ પ્રકરણ સાથે મહારાષ્ટ્રમાં સક્રિય એક નાઈજિરિયન નાગરિક અને જયપુરમાં મદદ કરનાર વ્યક્તિના નામ પણ સામે આવ્યા છે, જેઓને પોલીસે પકડી પાડ્યા છે. આ પ્રકારનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ અત્યંત જોખમી અને શરીર પર ગંભીર અસરો કરનારું હોય છે, જેથી પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામ કરી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Ahmedabad News: રાજ્ય વેરા ખાતાની મેગા કાર્યવાહી, 4.25 કરોડનું સોનું-ચાંદી ઝડપ્યું


