Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીએ માર્યો લોચો! ડેટા સાયન્સની પરીક્ષામાં AIML નું પેપર આપ્યું પછી..!
- Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં મોટો છબરડો
- ડેટા સાયન્સને બદલે AIMLનું પેપર આપ્યું
- વિદ્યાર્થીઓને અડધા કલાક બાદ મળ્યું સાચું પેપર
Ahmedabad: ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટીના વહીવટીતંત્ર અને પરીક્ષા વિભાગની ગંભીર બેદરકારીને કારણે સેંકડો વિદ્યાર્થીઓ (Students) એ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં લેવાયેલી પરીક્ષામાં અલગ વિષયનું પેપર આપી દેતાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા.
જેવું પ્રશ્નપત્ર હાથમાં આવ્યું કે...
આજે શનિવારે સવારે 11 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં ઇન્ટિગ્રેટેડ MSc ડેટા સાયન્સ અને MSc એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પેપર આપવા પહોંચ્યા હતા, પરંતુ જેવું પ્રશ્નપત્ર હાથમાં આવ્યું કે તરત જ તેઓ ચોંકી ગયા હતા. MSc એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓનું 'કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર' વિષયનું પેપર હતું, પરંતુ તેમાં પ્રશ્નો તદ્દન અલગ AIML વિષયના પૂછવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ ધ્યાન દોર્યું!
પરીક્ષા શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓએ નિરીક્ષકોનું ધ્યાન દોર્યું કે આ પ્રશ્નો તેમના અભ્યાસક્રમના નથી. પ્રિન્ટિંગમાં થયેલી આ મોટી ભૂલને કારણે પરીક્ષા ખંડમાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી. આ છબરડાની જાણ થતાં જ વિભાગીય વડા અને પરીક્ષા નિયામક કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. ભૂલ સ્વીકાર્યા બાદ નવું પેપર આપવામાં આવ્યું હતુ.
Ahmedabad: અડધા કલાકનો વિલંબ
આક્ષેપ છે કે ભૂલ સુધારવા માટે યુનિવર્સિટી તંત્રને અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. પેપર રી-પ્રિન્ટ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું ત્યાં સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી રહ્યા હતા. એબીવીપી આ ભૂલ સામે વિરોધ નોંધાવ્યો છે. કહ્યું યુનિવર્સિટીમાં વારંવાર આવા છબરડા બહાર આવી રહ્યા છે. જેથી માંગ કરી છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચોઃ Gir Somnath: સરપંચે સંતાન પ્રાપ્તિ બાદ પદનો કર્યો ત્યાગ! પરિવારમાં ખુશીનો માહોલ


