બીજી તરફ પૂર્વ અમદાવાદના વિસ્તારો જેવા કે નરોડા (Naroda), મેમ્કો (Memco), જશોદાનગર (Jashodanagar), વિવેકાનંદનગર (Vivekanandnagar) અને હાટકેશ્વર (Hatkeshwar) માં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે.
વાસણા બેરેજ અને તળાવો ખાલી કરાયા
હવામાન વિભાગ (IMD - India Meteorological Department) દ્વારા અમદાવાદમાં 'રેડ એલર્ટ' (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC - Ahmedabad Municipal Corporation) દ્વારા મેગા એક્શન પ્લાન (Action Plan) શરૂ કરવામાં આવ્યો છે. સાબરમતી નદી (Sabarmati River) માં પાણીનું સ્તર ઘટાડવા માટે વાસણા બેરેજ (Vasna Barrage) ના તમામ દરવાજા ખોલી દેવાયા છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ (Vastrapur Lake) નું લેવલ 25 ફૂટથી ઘટાડીને 21 ફૂટ કરાયું છે તથા પશ્ચિમ વિસ્તારના અન્ય 5 તળાવોમાંથી પણ પાણીનો નિકાલ શરૂ કરાયો છે.
પાલડી કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ એલર્ટ
પાલડી (Paldi) સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે વરિષ્ઠ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો તેમજ મેઘાણીનગર અંડરપાસ (Meghaninagar Underpass) અને ઓઢવ (Odhav) જેવા વોટર લોગિંગ સ્પોટ્સ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ફાયર વિભાગ (Fire Department) રેસ્ક્યુ બોટ (Rescue Boats), કટર મશીન (Cutter Machines) અને લાઈફ જેકેટ સાથે સ્ટેન્ડબાય છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
ગ્રામ્ય આરોગ્ય તંત્રની આગોતરી તૈયારીઓ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનું આરોગ્ય વિભાગ (Health Department) પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સગર્ભા માતાઓની સુરક્ષિત પ્રસૂતિ માટે વિશેષ આયોજન કરાયું છે, જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 28 સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે અને 36 પૂર્ણગર્ભા મહિલાઓને અગાઉથી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. કોઈપણ કટોકટી માટે 108 એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમો અને બ્લડ બેંકની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
રાજ્યના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 14 જિલ્લાઓમાં સાંજના 4 વાગ્યા સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જેમાં સુરત (Surat), નવસારી (Navsari), વલસાડ (Valsad), ડાંગ (Dang), તાપી (Tapi), સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli), ખેડા (Kheda), આણંદ (Anand), ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) નો સમાવેશ થાય છે. આ દરમિયાન 41 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર (Gandhinagar) સહિત અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરાયું છે.
આ પણ વાંચો: Rain Red Alert in Gujarat: હવામાન વિભાગની મોટી ચેતવણી, અમદાવાદ, ખેડા અને આણંદમાં ભારે વરસાદની આગાહી!