Ahmedabad Mayor Hitesh Barot : મેયરની નવી પહેલ, હવે પેટ્રોલ ગાડીને બદલે વાપરશે EV કાર!
Ahmedabad Mayor Hitesh Barot : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટની નિયુક્તિ થતાની સાથે જ તેમને પ્રજાલક્ષી અને સાદગીભર્યા વહીવટની દિશામાં અનુકરણ માટે એક પહેલ કરવામાં આવી છે. મેયર પદનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે સત્તાવાર બંગલામાં નિવાસ નહીં કરવાની જાહેરાત કરી છે. મેયર તરીકે મળતી સરકારી વાહનની સુવિધાનો પણ તેઓ રોજિંદા ઉપયોગમાં ત્યાગ કરશે.
ઇલેક્ટ્રિક વ્હીકલ ગાડીનો ઉપયોગ કરવાની કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે મેયર હિતેશ બારોટની આ જાહેરાત ચર્ચાનો વિષય બની છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ પોતાની અંગત કામગીરી માટે કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ કરશે નહીં. માત્ર પ્રોટોકોલ (Protocol) અને સત્તાવાર સરકારી જરૂરિયાતો સમયે જ તેઓ સરકારી વાહનનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, પર્યાવરણને પ્રાધાન્ય આપતા તેમણે જાહેરાત કરી છે કે, તેઓ પેટ્રોલથી ચાલતી ગાડીઓને બદલે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV Car) નો જ ઉપયોગ કરશે.
અધિકારીઓ અને મુલાકાતીઓ માટે સૂચના
મહત્વનું છે કે વહીવટી તંત્રમાં પારદર્શિતા અને સાદગી લાવવા માટે મેયર દ્વારા મુલાકાતીઓ માટે પણ એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. મેયર ઓફિસમાં મળવા આવતા લોકો કે અધિકારીઓને તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ કોઈ પણ પ્રકારના ફૂલના બુકે (Flower Bouquets) કે અન્ય ગિફ્ટ (Gifts) લાવશે નહીં. આ પ્રકારના બિનજરૂરી ખર્ચને ટાળીને લોકોના કામને જ પ્રાથમિકતા આપવાનો તેમનો નિર્ધાર છે.
મેયર હિતેશ બારોટના આ નિર્ણયો અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) ના વહીવટમાં એક નવી કાર્યસંસ્કૃતિની શરૂઆત સમાન માનવામાં આવી રહ્યા છે, જેની નાગરિકો દ્વારા પણ વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad Mayor Announcement : અમદાવાદ મનપાના મેયર બન્યા હિતેશ બારોટ, ભાજપે 5 હોદ્દેદારના નામ કર્યા જાહેર


