Ahmedabad: નશીલા પદાર્થોનું દૂષણ, MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ
- Ahmedabad: પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી
- 246 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળ્યો
- ડ્રગ્સ સીરીન અલ્લારખા નામની મહિલાએ આપ્યુ
Ahmedabad: અમદાવાદમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે. અમદાવાદના ફતેવાડીમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા પુત્ર ઝડપાયા છે. જેમાં પોલીસે ગેરકાયદેસર MD ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે. એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેમાં ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થયા હતા.
પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી
બાતમીના આધારે પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે મોપેડ અટકાવી તેની પર સવાર મહિલા અને પુરુષની તપાસ કરી હતી. ત્યારે મોપેડ પર સવાર સમીમબાનુ ઉર્ફે પપ્પી પઠાણ અને મોમીનખાન પઠાણની તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા 7.40 લાખ કિંમતનો 246 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર મળી કુલ રૂપિયા 7,74,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો તેમને ફતેવાડીની સીરીન અલ્લારખા નામની મહિલાએ આપ્યો હતો.
Ahmedabad: બે શખસોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા
સમીમબાનુ સાણંદમાં પ્રોહિબિશન અને DCB પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં વોન્ટેડ છે. ત્યારે વેજલપુર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં પણ વટવા વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ વેચતા બે રીઢા પેડલરોને પોલીસે ઝડપી પાડી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. મહત્ત્વનું છે કે, ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે આ કાર્યવાહી કરી હતી અને બે શખસોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખ્વાજાનગર પાસે બે શખસો નશાનો વેપલો કરવા બેઠા
ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વટવા ખ્વાજાનગર પાસે બે શખસો નશાનો વેપલો કરવા બેઠા છે. પોલીસે રમઝાન પાર્કમાં રહેતા મહંમદ જુબેર અંસારી અને અમન પાર્કના શાદાબ પઠાણને કોર્ડન કરી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 26 ગ્રામ MD ડ્રગ્સ, ઈલેક્ટ્રોનિક વજનકાંટો અને પેકિંગ માટેની ઝીપ લોક બેગ મળી આવી હતી. પકડાયેલા બંને પેડલરો આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા અને ક્યારથી આ કાળો કારોબાર ચલાવતા હતા, તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હવે ડ્રગ્સ માફિયાઓએ પૂર્વ અમદાવાદના વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે જુહાપુરા રોડ જેવા વિસ્તારોમાં મોટા સપ્લાયરો વચ્ચે આંતરિક સુલેહ થઈ જવાથી પોલીસને બાતમી મળતી બંધ થઈ છે.
આ પણ વાંચો: Ahmedabad: પતિની આત્મહત્યા અને પત્નીની હત્યા મામલે થયો મોટો ખુલાસો


