Ahmedabad Sports Club માં બોમ્બ બ્લાસ્ટની ચિઠ્ઠી મળતા ચકચાર: લશ્કર-એ-તૈબા અને દાઉદનું નામ લખાયું
Ahmedabad Bomb Threat: અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબની હોટલના એક રૂમમાંથી સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ એક ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. આ ચિઠ્ઠીમાં પેન્સિલ (Pencil) થી લખવામાં આવ્યું છે કે, આગામી 21 જૂન 2026 ના રોજ અહીં બ્લાસ્ટ (Blast) થશે. આ પત્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબા (Lashkar-e-Taiba) અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) ના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી મામલો અત્યંત ગંભીર બન્યો છે.
તાન્ઝાનિયાના વેપારીઓના કનેક્શન અંગે શંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ગત 29 તારીખના રોજ આ રૂમ તાન્ઝાનિયા (Tanzania) ના 3 વેપારીઓ માટે બુક કરવામાં આવ્યો હતો. આ ત્રણેય વિદેશી વેપારીઓ અહીંના સ્થાનિક ડોક્ટર પલક (Dr. Palak) ના પરિચિત હોવાનું ખુલ્યું છે. વેપારીઓએ 30 તારીખના રોજ રૂમમાંથી ચેક આઉટ (Check Out) કરી લીધું હતું. જો કે, સુરક્ષા એજન્સીઓની તપાસમાં એ સામે આવ્યું છે કે તાન્ઝાનિયાના આ તમામ વેપારીઓ હજુ પણ ભારત દેશમાં જ હાજર છે.
સીસીટીવી અને ગેસ્ટ લિસ્ટના આધારે પોલીસ તપાસ તેજ
વિદેશી વેપારીઓએ રૂમ ખાલી કર્યો તે પછી આ પત્ર કોણે મૂક્યો, અથવા તેમની હાજરી દરમિયાન જ કોઈએ આ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હોટલ સ્ટાફ અને અન્ય શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે હોટલના ગેસ્ટ લિસ્ટ (Guest List) અને સીસીટીવી ફૂટેજ (CCTV Footage) કબજે કરીને પત્ર મૂકનાર અજ્ઞાત શખ્સને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો કામે લગાડી છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો, મોબાઈલના Recycle Bin એ ખોલી ધમકી આપનારની પોલ


