Ahmedabad : નવા વાડજમાં અબોલ જીવ પર અત્યાચાર, યુવાનોએ બિલાડીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી
- Cat Abuse Viral Video in Ahmedabad
- અમદાવાદમાં માનવતાને શરમાવે તેવી ઘટના, બિલાડી સાથે ક્રૂરતા
- નવા વાડજમાં અમાનવીય કૃત્ય, યુવાનોએ કરી બિલાડીની હત્યા
Cat Abuse Viral Video in Ahmedabad : કહેવાય છે કે પશુ-પંખીઓ અને અબોલ જીવો પ્રત્યે દયા રાખવી એ માનવ ધર્મ છે, પરંતુ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં જે ઘટના બની છે તેણે માનવતાને લાંછન લગાડ્યું છે. શહેરના ભરચક વિસ્તારમાં 3 અજાણ્યા યુવાનો એક બિલાડી સાથે અમાનવીય વર્તન કરતા નજરે ચડ્યા છે. બિલાડી સાથે કરવામાં આવેલા અત્યંત ક્રૂર અને અમાનવીય વર્તનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ક્રૂરતાની તમામ હદો વટાવી
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અબોલ જીવ પ્રત્યેની અત્યંત ભયાનક અને હચમચાવી દે તેવી નિર્દયતા સામે આવી છે, જ્યાં 3 યુવાનોએ એક બિલાડી (Cat) સાથે પશુતાની તમામ સીમાઓ ઓળંગી દીધી હતી. ઘટના નવા વાડજ નજીક આવેલા સહજ હાઇટ્સની બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એક ખાલી પ્લોટમાં બની હતી. આ વાયરલ થયેલા હૃદયદ્રાવક ફૂટેજ મુજબ, આ શખ્સો બિલાડીને એક કોથળામાં પૂરીને લાવ્યા હતા અને કોઈ પણ દયા વગર તેને વારંવાર જમીન પર પછાડી લોહીલુહાણ કરી નાખી હતી.
જ્યારે આ અબોલ જીવ બચવા તરફડી રહ્યું હતું, ત્યારે તેના પર નિર્મમ રીતે પથ્થરનો એક મોટો ટૂકડો મારમાં આવ્યો હતો. આટલી યાતના ઓછી હોય તેમ, આ ક્રૂર યુવાનોએ બિલાડીને પોતાના પગ નીચે દબોચીને અત્યંત ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમાજમાં વધતી જતી આવી હિંસક માનસિકતાએ પશુપ્રેમીઓમાં ભારે રોષ અને ચિંતા ઉભી કરી છે.
પશુપ્રેમીઓ અને કાયદો (Cat Abuse Viral Video)
સૂત્રોની માનીએ તો આ વીડિયો સામે આવ્યા બાદ શહેરની વિવિધ એનજીઓ (NGO) અને પશુ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારતીય કાયદા મુજબ પશુઓ પ્રત્યેની ક્રૂરતા એ ગુનો છે. પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ (PCA Act) હેઠળ પશુઓને ઈજા પહોંચાડવી કે તેમની હત્યા કરવી એ સજાપાત્ર અપરાધ છે.
સામાજિક જવાબદારીનો અભાવ
અમદાવાદ જેવા શિક્ષિત અને સંસ્કારી શહેરમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સમાજની માનસિકતા પર સવાલ ઉઠે છે. અબોલ જીવો પ્રત્યેની આ હિંસા આવનારા સમયમાં કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિનું પ્રતીક હોઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે પોલીસ આ યુવાનોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.
આ પણ વાંચો : Bhavnagar: લગ્નના દિવસે જ પતિએ યુવતીની ઘાતકી હત્યા કરી નાખી! જાણો સમગ્ર ઘટના વિશે


