Ahmedabad News: વિરમગામમાં સરકારી અનાજનો કાળો કારોબાર, 'Gujarat First' ના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો
- Ahmedabad ના વિરમગામમાં સરકારી અનાજ ચોરીનું કૌભાંડ આવ્યું સામે
- ચાલુ ગાડીએ સરકારી અનાજની કાળાબજારી થતી હોવાની ચર્ચા
- ઘેલડા અને મોટી રાંટાઈમાં તપાસ દરમિયાન થયો મોટો ખુલાસો
- સરકારી અનાજની દુકાનોમાં અનાજની હેરાફેરી થતી હોવાનો આક્ષેપ
- અનાજના દરેક કટ્ટામાં ત્રણથી ચાર કિલો વજન ઓછું મળ્યું
- ગરીબોના હકનું અનાજ બારોબાર વેચાતું હોવાની આશંકા
- તંત્ર આ મામલે કડક તપાસ કરે તેવી લોકની માંગ
Ahmedabad News: અમદાવાદના વિરમગામ પંથકમાં ગરીબો માટે ફાળવવામાં આવતા સરકારી અનાજની ચોરી અને કાળાબજારીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચતા અનાજના જથ્થામાં મોટાપાયે ગોલમાલ થતી હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
Ahmedabad ના વિરમગામમાં સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરમગામમાં સરકારી અનાજની હેરાફેરી માટે વપરાતી ગાડીઓમાં ગેરરીતિ આચરવામાં આવે છે. રવિવારે વહેલી સવારે એક ટ્રક (નંબર: 8254) માંથી ચાલુ ગાડીએ સરકારી અનાજની ચોરી (કટિંગ) કરવામાં આવી હતી. આ અનાજને બારદાનમાંથી કાઢી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી દેવામાં આવતું હોવાની ચોંકાવનારી ચર્ચાઓ સ્થાનિક સ્તરે થઈ રહી છે.
'ગુજરાત 1st' દ્વારા રિયાલિટી ચેકમાં ખુલાસો
આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 'Gujarat First' ની ટીમ દ્વારા ઘેલડા અને મોટી રાંટાઈ ગામની સસ્તા અનાજની દુકાનો પર જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ચોખાના 50 કિલોના મોટાભાગના કટ્ટા (કોથળા) માંથી 3 થી 4 કિલો વજન ઓછું જોવા મળ્યું હતું.
ગરીબોના હક પર તરાપ
સરકારી અનાજ દુકાન સુધી પહોંચે તે પહેલાં જ રસ્તામાં વચેટિયાઓ દ્વારા અનાજ ગાયબ કરી દેવામાં આવતું હોવાની પ્રબળ આશંકા છે.
ગંભીર સવાલો
ગરીબોને મળવાપાત્ર અનાજમાં આટલી મોટી ઘટ પાછળ જવાબદાર કોણ છે?
શું આ આખો ખેલ સ્થાનિક પુરવઠા અધિકારીઓની મિલીભગતથી ચાલી રહ્યો છે?
તંત્ર દ્વારા કોઈ કડક તપાસ કે કાર્યવાહી કરવામાં આવશે?
સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ મામલે તંત્ર પાસે કડકમાં કડક તપાસની અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.


