Ahmedabad School Teacher Slap Case: શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય વિદ્યા સંકુલ શાળામાં એક શિક્ષકની ક્રૂરતા સામે આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીને શિક્ષકે મારેલી થપ્પડના કારણે તેને કાનમાં ગંભીર ઈજા પહોંચી હોવાનો અને સંભળાયવાનું બંધ થઈ ગયું હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર શાળા પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
શનિવારે શાળાના પી.ટી. (PT) પિરિયડ દરમિયાન મેદાનમાં વિદ્યાર્થિનીઓની ખો-ખોની રમત ચાલી રહી હતી. આ દરમિયાન ધોરણ-10માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ કલ્પેશ પટેલના જણાવ્યા મુજબ, શિસ્ત જાળવવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ માન્યા નહોતા. ત્યારબાદ, અંગ્રેજી માધ્યમના શિક્ષક લક્ષ્મણભાઈએ આવેશમાં આવીને વિદ્યાર્થીને જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ ઝાપટ એટલી જોરદાર હતી કે વિદ્યાર્થીને કાનમાં સમસ્યા સર્જાઈ હતી અને તેને સંભળાતું બંધ થઈ ગયું હોવાની ફરિયાદ ઉઠી હતી.
ENT સર્જને કર્યો મોટો ખુલાસો
જ્યારે વિદ્યાર્થીના ડાબા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું અને થપ્પડ માર્યા પછી તેને અસહ્ય દુખાવો થવા લાગ્યો, ત્યારે ગભરાયેલા પરિવારે તેને તાત્કાલિક ENT સર્જન પાસે લઈ ગયા. તપાસ બાદ ડોક્ટરોએ પુષ્ટિ આપી કે થપ્પડના ગંભીર આઘાતથી વિદ્યાર્થીના ડાબા કાનનો પડદો ગંભીર રીતે ફાટી ગયો હતો.
તંત્રની કાર્યવાહી
સોમવારે સવારે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા શાળા પ્રશાસને તાત્કાલિક અસરથી શિક્ષક લક્ષ્મણભાઈને સસ્પેન્ડ કરી દીધા છે.
શાળા પ્રશાસને લીધી જવાબદારી
પ્રિન્સિપાલ કલ્પેશ પટેલે ખાતરી આપી છે કે વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને ભવિષ્યમાં થનારી કોઈ પણ તબીબી સારવારની સંપૂર્ણ જવાબદારી શાળા પ્રશાસન ઉઠાવશે.
ABVP દ્વારા ઉગ્ર વિરોધ
દરમિયાન, આ ઘટનાના વિરોધમાં એબીવીપી (ABVP) દ્વારા શાળા ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા અને પ્રશાસનને આવેદન પત્ર આપી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.
શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ
આ ક્રૂરતાથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીના પિતાએ તાત્કાલિક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક લક્ષ્મણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલમાં, પોલીસ આ મામલાની કાનૂની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: નિકોલની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીએ લાફો માર્યો! કાનનો પડદો ફાટ્યાનો આક્ષેપ