Ahmedabad Plane Crash Incident : ફક્ત 10 મિનિટ... અને ભૂમિનો જીવ બચી ગયો
- ફક્ત 10 મિનિટ... અને ભૂમિનો જીવ બચી ગયો
- ફ્લાઇટ ચૂકી... અને મળ્યું નવું જીવન!
- એક નાનકડો વિલંબ બન્યો એક મોટો ચમત્કાર
Bhumi Chauhan survivor Ahmedabad Plane crash : અમદાવાદમાં ગુરુવારે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, બોઇંગ 787 ડ્રીમલાઇનર, દુર્ઘટનાનો શિકાર બની, જેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતા. આ દુઃખદ ઘટનામાં લગભગ કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર બચી શકે તેવી આશા નથી, પરંતુ આ ઘટના વચ્ચે ભૂમિ ચૌહાણ નામની એક મહિલાની વાર્તા નસીબની અદ્ભુત રમત દર્શાવે છે. અમદાવાદના વ્યસ્ત ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે ભૂમિ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માત્ર 10 મિનિટ મોડી પહોંચી, જેના લીધે તેને બપોરે 1:10 વાગ્યે ઉપડનારી અમદાવાદ-લંડન ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી ન મળી. આ નાનકડો વિલંબ તેના જીવનનો સૌથી મોટો નસીબદાર નિર્ણય સાબિત થયો.
દુર્ઘટનાના સમાચારે હચમચાવી દીધી
જ્યારે ભૂમિ એરપોર્ટના બહાર નીકળી, ત્યારે તેને ફ્લાઇટ ક્રેશના આઘાતજનક સમાચાર મળ્યા. આ સમાચાર સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ, તેના પગ ધ્રૂજવા લાગ્યા અને તે લાંબા સમય સુધી આઘાતમાં રહી. મીડિયા સાથે વાતચીતમાં ભૂમિએ જણાવ્યું, “જ્યારે હું એરપોર્ટના એક્ઝિટ ગેટ પર પહોંચી, ત્યારે મને ખબર પડી કે જે ફ્લાઇટ હું ચૂકી ગઈ હતી તે ક્રેશ થઈ ગઈ છે. એ સમયે મારું મન સુન્ન થઈ ગયું.” ફ્લાઇટ ચૂકી જવાનું દુઃખ તે ક્ષણે આભારમાં ફેરવાઈ ગયું, કારણ કે માત્ર 10 મિનિટના વિલંબે તેનો જીવ બચાવ્યો.
Ahmedabad Plane Crash : Ahmedabad ના ટ્રાફીકે બચાવ્યો ભૂમિનો જીવ । Gujarat First#PlaneCrashAhmedabad #PlaneCrash #AirlineFlightCrash #AirIndiaCrash #FlightAI171 #VijayRupani #GujaratFirst pic.twitter.com/jrDd4TU0sV
— Gujarat First (@GujaratFirst) June 13, 2025
નસીબની રમત અને ગણપતિ બાપ્પાનો આભાર
ભૂમિ, જે લંડનમાં તેના પતિ સાથે રહે છે, વેકેશન માટે ભારત આવી હતી. 2 વર્ષ પહેલાં તે લંડન ગઈ હતી અને આ તેની પહેલી ભારતની મુલાકાત હતી. દુર્ઘટનાના સમાચાર સાંભળ્યા બાદ તે બપોરે 1:30 વાગ્યે એરપોર્ટથી ઘરે પરત ફરી. ઘરે પહોંચીને તેણે ગણપતિ બાપ્પાનો હૃદયપૂર્વક આભાર માન્યો, તે માનીને કે આ ચમત્કાર તેમની કૃપાથી જ શક્ય બન્યો. ભૂમિએ ભાવુક થઈને કહ્યું, “ટ્રાફિકમાં ફસાવાને કારણે હું એરપોર્ટ મોડી પહોંચી, અને આજે હું એ વાતનો આભાર માનું છું. ગણપતિ બાપ્પાએ મને નવું જીવન આપ્યું.”
એક નાનકડો વિલંબ, મોટો ચમત્કાર
ભૂમિની આ વાર્તા નસીબની અજાણી રમતોનું જીવંત ઉદાહરણ છે. જે ટ્રાફિકને તે એરપોર્ટ જતી વખતે શાપ ગણતી હતી, તે જ ટ્રાફિકે તેનો જીવ બચાવ્યો. આ ઘટનાએ ન માત્ર ભૂમિને, પરંતુ તેના પરિવાર અને મિત્રોને પણ ઊંડો આઘાત આપ્યો, સાથે જ તે પણ સમજાવ્યું કે જીવનનું કોઇ નક્કી નથી, ક્યારે મોત તમારી સામે આવી જાય અને ક્યારે તમે મોતથી થોડા દૂર રહી પણ જાઓ.
આ પણ વાંચો : Safest Airlines In India : ભારતની સૌથી સલામત એરલાઇન કઈ? જાણો કઈ એરલાઇન પાસે કેટલા વિમાનો