Ahmedabad Independence Day: અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે 80 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ અવસરે અમદાવાદ શહેરના ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્કૃષ્ટ તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાર્યક્રમમાં દિવ્યાંગોની પ્રેરણાદાયી તિરંગાયાત્રાને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
Ahmedabad પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનું સંબોધન
ધ્વજારોહણ બાદ ઉપસ્થિત સૌને સંબોધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌ વીર શહીદો અને બલિદાન આપનાર મહાનુભાવોને યાદ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી તેમજ નાગરિકોને આઝાદી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હંમેશા ઉત્તમ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ સતત કાર્યરત છે અને ગુજરાત પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે.
પોલીસ કમિશનરે ગણાવ્યા આગામી પડકારો
તેમણે અગાઉ યોજાયેલા તહેવારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રથયાત્રા અને અન્ય મોટા તહેવારોનું આયોજન અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે અને આ વખતે રથયાત્રામાં અગાઉ કરતા પણ વધારે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પોલીસ સમક્ષ હંમેશા અનેક પ્રકારના પડકારો રહેતા હોય છે, છતાં પોલીસ દરેક પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. આગામી સમયમાં શહેરમાં કોમનવેલ્થ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાવાની છે, જે પોલીસ માટે એક મોટો પડકાર છે અને તે માટે અત્યારથી જ મોટા કાર્યક્રમો તેમજ આયોજનોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
"ક્રાઈમ પેટર્ન બદલાઈ રહી છે"
વર્તમાન સમયમાં ક્રાઈમની પેટર્ન બદલાઈ રહી છે અને ખાસ કરીને સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઈમમાં પણ રોજ નવી નવી પેટર્ન સામે આવી રહી છે, જેનો સામનો કરવા માટે પોલીસ પૂરી રીતે તૈયાર છે. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાયબર રિક્ષિકા હેઠળ સોશિયલ મીડિયા કે ઓનલાઈન યુવતીઓ અને મહિલાઓને રંઝાડતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રજાની સેવા કરવી એ જ આપણું મુખ્ય કર્તવ્ય છે અને નવી પોલીસ કમિશનર કચેરી સંપૂર્ણપણે લોકો માટે જ સમર્પિત છે. આગામી તહેવારો અને મોટા કાર્યક્રમો માટે પણ શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે.
આ પણ વાંચો: Independence Day: Surat ના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન, પ્રજાને આપ્યો ખાસ સંદેશ