Ahmedabad News: પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ
Ahmedabad News: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ અધિકારીઓ જ જ્યારે કાયદો હાથમાં લે, ત્યારે સમગ્ર તંત્ર પર સવાલો ઉભા થાય છે. તાજેતરમાં અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે પોલીસ દ્વારા કરાયેલી અમાનવીય વર્તણૂકનો મામલો સામે આવતા ભારે રોષ જોવા મળ્યો છે. આ ગંભીર ઘટનાને પગલે પોલીસ વડાએ તાત્કાલિક અસરથી કડક પગલાં લેતા મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે.
મહિલા PSI પ્રજ્ઞાચક્ષુ ને માર મારવાનો આરોપ
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડ સામે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે થયેલી આ પ્રકારની હિંસક વર્તણૂકને લઈને માનવ અધિકારના મુદ્દાઓ પણ ચર્ચાઈ રહ્યા છે.
અમાનવીય કૃત્ય સામે કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક આ બાબતે તપાસના આદેશ આપ્યા હતા. પ્રારંભિક તપાસ અને ઘટનાના પ્રાથમિક રિપોર્ટના આધારે મહિલા PSI સોનલ રાઠોડની કામગીરી શિસ્તભંગની ગણવામાં આવી હતી. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે અમાનવીય કૃત્ય સાંખી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Ahmedabad News: આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરશે, તૈયારીઓ તેજ


