21

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહનો માટેની સ્ક્રેપ પોલિસી અમલી બનાવવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીના અમલીકરણ અંતર્ગત રાજ્યમાં વાહન માલિકો માટે પોતાના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટની જોગવાઇ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ ખુબ અગત્યનું છે. સરકાર દ્વારા લાગુ પડાયેલી સ્ક્રેપ પોલિસીના કારણે ફિટનેસ સર્ટિફિકેટ માટે દરેક રાજ્યોમાં RTO ઓફિસ ખાતે લોકોની મોટી ભીડ જોવા મળે છે. જેથી પ્રાઇવેટ પાર્ટીઓને પણ ફિટનેસ સેન્ટર સ્થાપવા માટેની પરવાનગી આપવાની દરખાસ્ત વાહન વ્યવહાર વિભાગે રાજ્ય સરકાર સમક્ષ કરી છે. જો આ દરખાસ્તને રાજ્ય સરકારની મંજૂરી મળી જશે તો રાજ્યમાં 100 જેટલા ખાનગી ફિટનેસ સેન્ટર સ્થપાય તેવી શક્યતા છે.
ક્યા વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવું છે ફરજિયાત
તમામ વાહનોએ લેવું ફરજિયાત નથી. ટ્રાન્સપોર્ટ વ્હિકલને 8 વર્ષથી ઓછો સમય થયો હોય તો તેને 2 વર્ષ નું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વ્હિકલને 15 વર્ષ થયા હોય તો પાંચ વર્ષનું ફિટનેસ સિર્ટીફીકેટ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસીને ધ્યાનમાં રાખીને ફિટનેસ સેન્ટરોની સંખ્યા વધારવી પડે તેમ હોવાથી વાહન વ્યવહાર વિભાગે ફિટનેસ સેન્ટર વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. જો કે હાલમાં RTOમાં જ વાહનોને લાગવગથી ફિટનેસ સર્ટિફિકેટ મળી જાય છે તેવી ફરિયાદો થવા પામી છે. ત્યારે ખાનગી સેન્ટરો ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં કેટલી વિશ્વસનીયતા જાળવશે એ ખુબ જ મોટો પ્રશ્ન છે. હાલમાં તો RTO વિભાગે પ્રાઇવેટ સેન્ટરમાં કેમેરા મુકીને તેનું નિરાકરણ લાવવાનો મધ્યમ માર્ગ શોધી કાઢ્યો છે. પરંતુ હાલ કોઈ પણ પ્રાઇવેટ સેન્ટરોને ફિટનેસ સર્ટીફીકેટ આપવાની પરવાનગી અપાઈ નથી.