ચેરમેનનો આદેશ કાગળ પર જ રહ્યો?
4 જૂને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમલેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં પણ ખોદકામ થયું હોય ત્યાં સાત દિવસમાં ખાડાઓનું પુરાણ થવું જોઈએ. સાથે જ નાગરિકોની સુરક્ષા માટે જરૂરી સ્થળોએ બેરીકેટિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે જો આદેશ આપવામાં આવ્યો હતો તો પછી તેનું પાલન કેમ ન થયું? શહેરના 16 મોટા ખાડાઓમાંથી માત્ર 9 ખાડાઓ પૂરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ખાડાઓ હજુ પણ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.
AMCની ઢીલી કામગીરીનો ભોગ બની રહી છે જનતા
રાણીપ, ન્યૂ રાણીપ, પાલડી, દાણીલીમડા, ખોખરા, મણિનગર અને ઇસનપુર સહિતના વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અનેક જગ્યાએ ખોદકામ બાદ રસ્તાઓને મૂળ સ્થિતિમાં લાવવાની કામગીરી અધૂરી છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જ્યારે ચોમાસા પહેલા તૈયારીના દાવા કરવામાં આવે છે, ત્યારે રસ્તાઓ પર હજુ પણ ખાડાઓ કેમ જોવા મળે છે?
વરસાદ આવશે તો વધશે જોખમ
ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતાં ખાડાઓ દેખાતા નથી. આવી સ્થિતિમાં બાઈકચાલકો અને કારચાલકો માટે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે. દર વર્ષે રસ્તાના ખાડાઓના કારણે ઇજાઓ અને અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે, છતાં તંત્ર હજુ પણ ગંભીરતા દાખવતું ન હોવાનું દેખાઈ રહ્યું છે.
માત્ર ખાડા નહીં, અધૂરી રોડ સેટલમેન્ટ પણ ચિંતાનો વિષય
જ્યાં ખાડાઓ પૂરવામાં આવ્યા છે ત્યાં પણ યોગ્ય રોડ સેટલમેન્ટ કરવામાં આવી નથી. ઘણી જગ્યાએ રસ્તા ઊંચા-નીચા અને કાચા જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે વરસાદ પડ્યા બાદ આવી જગ્યાઓ વધુ ખતરનાક બની શકે છે.
હવે જવાબદારી કોણ લેશે?
સ્ટેન્ડિંગ કમિટીના આદેશ બાદ પણ કામગીરી અધૂરી રહેતા AMCના અધિકારીઓની જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો આગામી દિવસોમાં અકસ્માતો થાય અથવા નાગરિકોને નુકસાન પહોંચે, તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? અમદાવાદના નાગરિકો હવે માત્ર વચનો નહીં, પરંતુ જમીન પર દેખાતી કામગીરીની રાહ જોઈ રહ્યા છે. ચોમાસા પહેલા બાકી રહેલા ખાડાઓ તાત્કાલિક ન પુરાય તો આ બેદરકારી નાગરિકો માટે ભારે પડી શકે છે.
આ પણ વાંચો : Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા દિવસે ક્યાં પડશે વરસાદ?