Ahmedabad: અસલાલી પોલીસે 10 વર્ષથી ગેરકાયદે રહેતા 6 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
- અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય અસલાલી પોલીસે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપ્યા
- દસ વર્ષ પહેલા કલકત્તાથી અમદાવાદ આવેલા બાંગ્લાદેશી નાગરિકો
- ઝડપાયેલા 6 બાંગ્લાદેશી નાગરિકોમાં ત્રણ બાળકોનો સમાવેશ
- છેલ્લા 10 વર્ષથી ચંડોળામાં રહેતા હતા બાંગ્લાદેશી નાગરિકો
- કોર્પોરેશનની કામગીરી બાદ નાજ ગામમાં વપરાતા હતા નાગરિકો
Ahmedabad: અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યની અસલાલી પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નાગરિકો છેલ્લા એક દાયકાથી કોઈપણ માન્ય દસ્તાવેજો વગર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા હતા.
અમદાવાદ પોલીસે (Ahmedabad police) 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપ્યા
પોલીસ દ્વારા ઝડપાયેલા 6 નાગરિકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ લોકો આશરે 10 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળના કલકત્તા થઈને સરહદ ઓળંગી અમદાવાદ આવ્યા હતા.
રહેઠાણ અને સ્થળાંતર
આ બાંગ્લાદેશી નાગરિકો છેલ્લા 10 વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હતા. જોકે, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી કામગીરી અને દબાણ હટાવો ઝુંબેશ બાદ, તેઓ ત્યાંથી સ્થળાંતર કરી અસલાલી પાસે નાજ ગામમાં રહેવા ગયા હતા.
પોલીસ કાર્યવાહી
અસલાલી પોલીસને આ શંકાસ્પદ હિલચાલની બાતમી મળતા દરોડો પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં આ નાગરિકો પાસે ભારતીય નાગરિકતાના કોઈ અધિકૃત પુરાવા મળી આવ્યા નહોતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી, તેઓ અહીં કોના સંપર્કમાં હતા અને અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હતા કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.


