Ahmedabad News: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા દ્વારકેશનગર સોસાયટીમાંથી એક અત્યંત દુખદ અને ચકચારી ઘટના સામે આવી છે. ધંધાકીય બાબતો અને નાણાંની ઉઘરાણીના સતત માનસિક ત્રાસથી કંટાળીને એક યુવકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પણ આ ત્રાસ અંગેની આપવીતી લખીને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ધારાસભ્ય પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. આ મામલે સરખેજ પોલીસે પિતા-પુત્ર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના સરખેજમાં યુવકે પૈસાની ઉઘરાણાથી કંટાળી કર્યો આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક સુરેશસિંહ નામના યુવકે સરખેજ વિસ્તારની દ્વારકેશનગર સોસાયટીમાં આવેલા પોતાના મકાનમાં સીલિંગ ફેન સાથે રૂમાલ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે ભાગીદારીમાં ધંધો ચાલતો હતો. આ ધંધાકીય બાબતો તેમજ નાણાંની લેણદેણને લઈને કાળુ પ્રજાપતિ અને રાહુલ કાળુ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા સુરેશસિંહ પર સતત દબાણ કરવામાં આવતું હતું.
આરોપીઓ દ્વારા વારંવાર નાણાંની બિનજરૂરી માંગણી કરવામાં આવતી હતી અને અવારનવાર માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હતી. આ સતત ચાલતા માનસિક ત્રાસ અને ધાકધમકીઓથી કંટાળીને આખરે યુવકે આત્યંતિક પગલું ભરી લીધું હતું.
![Ahmedabad Sarkhej youth Suicide- Amit thakar MLA-Gujarat first]()
મૃતકે વોટ્સએપ સ્ટેટસમાં ઠાલવી હતી વેદના
મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના વોટ્સએપ સ્ટેટસમાં "મિસ યુ પપ્પા ઓલ ફેમિલી, જિસકા ભી મેને પેસા લિયા આપકા નહિ લોટા પાયા, મુજે માફ કર દેના, મુજે ન્યાય દીલાના અમિતભાઈ ઠાકર MLA વેજલપુર" તેવું લખીને પોતાની આખરી વેદના વ્યક્ત કરી હતી અને ધારાસભ્ય પાસે ન્યાયની ગુહાર લગાવી હતી, જેને પગલે સરખેજ પોલીસે કાળુ પ્રજાપતિ અને રાહુલ કાળુ પ્રજાપતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે કાળુ પ્રજાપતિ અને રાહુલ કાળુ પ્રજાપતિ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો (IPC કલમ હેઠળ દુષ્પ્રેરણાનો ગુનો) નોંધ્યો છે. હાલ પોલીસે વોટ્સએપ સ્ટેટસ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓને આધારે આગળની સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Surat News: મહિલા તબીબના સાડા ત્રણ વર્ષના માસૂમ પુત્રનું બિલ્ડર પિતાએ જ કર્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો