Ahmedabad Serial Blast Case : 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં, જેમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તે અંગે ગુજરાત હાઈકોર્ટ આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સ્પેશિયલ કોર્ટે અગાઉ આ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી, જેના કન્ફર્મેશન અને દોષિતોની અપીલ પરની લાંબી સુનાવણી બાદ હવે હાઈકોર્ટનો અંતિમ નિર્ણય આપ્યો છે.
અમદાવાદમાં માત્ર 70 મિનિટમાં 21 વિસ્ફોટ
26 જુલાઈ 2008નો દિવસ ભારત, ખાસ કરીને ગુજરાતના ઈતિહાસમાં એક કાળા અધ્યાય સમાન હતો. તે શનિવારે સાંજે 6:30 વાગ્યાથી શરૂ કરીને માત્ર 70 મિનિટના ટૂંકા ગાળામાં અમદાવાદ શહેર 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું. આતંકવાદીઓએ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારો જેવા કે મણિનગર, બાપુનગર, હાટકેશ્વર, સારંગપુર, નરોડા અને કાલુપુરને ટાર્ગેટ કર્યા હતા. બોમ્બને અત્યંત ક્રૂરતાપૂર્વક સરકારી બસો, પાર્ક કરેલી સાયકલ અને કારમાં ગોઠવવામાં આવ્યા હતા, જેથી વધુમાં વધુ નુકસાન થઈ શકે.
માનવતાની હદ વટાવતી ક્રૂરતા
આ હુમલાની સૌથી ભયાનક અને ક્રૂર કડી એ હતી કે આતંકવાદીઓએ સિવિલ હોસ્પિટલ (ટ્રોમા સેન્ટર) અને એલ.જી. હોસ્પિટલના પરિસરમાં પણ વિસ્ફોટો કર્યા હતા. જ્યારે પ્રાથમિક બ્લાસ્ટના ઘાયલોને મદદ માટે હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે ત્યાં થયેલા આ વિસ્ફોટોમાં અનેક નિર્દોષ દર્દીઓ, ફરજ પરના તબીબો અને તેમને મદદ કરવા આવેલા સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
જાનહાનિ અને તપાસનો વ્યાપ
આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં સત્તાવાર રીતે 56 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જ્યારે લગભગ 240 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસની કમાન સંભાળી હતી. તપાસમાં સામે આવ્યું કે ઇન્ડિયન મુજાહિદ્દીન (IM) અને પ્રતિબંધિત SIMI દ્વારા 'તૌહીન-એ-ગુજરાત' નામ હેઠળ આ કાવતરું ઘડાયું હતું. હુમલાના 5 મિનિટ પહેલા મીડિયાને ઈમેઈલ મોકલીને આતંકવાદીઓએ તેની જવાબદારી પણ સ્વીકારી હતી.
49 લોકોને દોષિત જાહેર થયા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેશભરમાં ઓપરેશન ચલાવીને કુલ 85 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાં મુફ્તી અબુ બશર અને સફદર નાગોરી જેવા મુખ્ય કાવતરાખોરો સામેલ હતા. સુરતમાં પણ આ જ સમયે લગભગ 17 જીવતા બોમ્બ મળી આવ્યા હતા, જે ડિફ્યુઝ કરીને મોટી દુર્ઘટના અટકાવવામાં આવી હતી. 78 આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં સ્પેશિયલ કોર્ટે 49 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારતીય ન્યાયિક ઈતિહાસમાં આ એક ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક નિર્ણય હતો.
મામલો હાઈકોર્ટમાં કેમ પહોંચ્યો?
નીચલી કોર્ટે આપેલી ફાંસીની સજાના કન્ફર્મેશન અને દોષિતો દ્વારા કરવામાં આવેલી અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં લાંબી દૈનિક સુનાવણી ચાલી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ મૃત્યુદંડના અમલ માટે હાઈકોર્ટની મંજૂરી આવશ્યક હોવાથી, સમગ્ર દેશની નજર આજે હાઈકોર્ટના ચુકાદા પર ટકેલી હતી ત્યારે આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો
2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં આતંકવાદી હુમલા માટે જવાબદાર 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા પર મહોર મારી છે. 56 નિર્દોષ લોકોના જીવ લેનાર આ ભયાનક ઘટનાના લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ, હાઈકોર્ટના આ કડક અને મહત્વપૂર્ણ નિર્ણયથી પીડિત પરિવારોને લાંબા સમય બાદ અંતિમ ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News : વહેલી સવારથી જધોધમાર વરસાદ, સુરત, વલસાડ અને વાપી સહિતના શહેરોમાં રજા જાહેર