Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક
- જાહેરમાં યુવક પર તલવાર અને ડંડાથી કર્યો હુમલો
- ફિલ્મી ઢબે કરાયેલા હુમલાની ઘટના કેમેરામાં કેદ
- જૂની અદાવતમાં હુમલો થયાનો ખુલાસો થયો
Ahmedabad ના એસજી હાઈવે ઉપર આવેલા સૌથી મોટા પેલેડિયમ મોલ નજીક લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જાણે પોલીસનો ખૌફ ના હોય એમ અસામાજીક તત્વો તલવાર અને ડંડા લઈને હુમલો કરતા જોવા મળ્યાનો વીડિયો વાયરલ થયો છે. રાણીપમાં રહેતા વિજય ભરવાડ નામના યુવક પર હુમલો કરાયો હતો. જે બાબતે પ્રિન્સ જાંગીડ સહિત બે શખ્સ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જૂની અદાવતમાં હુમલો થયાનો ખુલાસો થયો
ફરિયાદી વિજય ભરવાડ અને આરોપી પ્રિન્સ જાંગીડ એક જ વિસ્તારમાં રહે છે. બન્ને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પોલીસના કહેવા મુજબ, આ હુમલો જૂની અદાવતમાં કરાયો છે. સિંધુભવન રોડ ઉપર આવેલી ચાની કીટલી પર 10થી 15 દિવસ અગાઉ વિજય અને પ્રિન્સ બેઠા હતા. આ દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા બાબતે માથાકૂટ થતાં મારામારી થઈ હતી. તેને લઈ પ્રિન્સે વિજય વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિજય જામીન પર છૂટી ગયો હતો. જામીન પર છૂટ્યા બાદ પ્રિન્સે જાનથી મારી નાંખવાની વિજયને ધમકી આપી હતી. તેમાં 10 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા બાદ મિત્રો સાથે મળી વિજય પર હુમલો કર્યો હતો. પોલીસ આવે તે પહેલા ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં વિજયને કમર અને આંગળી પર ઈજા થઈ હતી.
નાઈટ પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ સામે પણ અનેક સવાલ ઉભા થયા
વસ્ત્રાપુર પોલીસ પ્રિન્સ અને તેના સાગરિતોને આગામી સમયમાં પકડી લેશે. પરંતુ,આ કેસમાં ફરિયાદ કરનાર વિજય પણ ગુનાહિત માનસિક્તા ધરાવે છે. આવા અસામાજિક તત્વો વચ્ચે નાની-મોટી બાબતે મારામારી થતી રહેતી હોય છે. પરંતુ, અસામાજિક તત્વોના કારણે સામાન્ય લોકોમાં ખૌફનો માહોલ ઉભો થાય છે. ત્યારે, નાઈટ પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ સામે પણ અનેક સવાલ ઉભા થયા છે.
આ પણ વાંચો: Gujarat: અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઇ