Ahmedabad News: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પૈસાની લાલચમાં એક નવજાત બાળકીનો સોદો કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક મહિનાની માસૂમ દીકરીને રમાડવાના બહાને લઈ જઈ તેને નડિયાદમાં વેચી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
અમદાવાદના વટવામાં નવજાત બાળકીનો દોઢ લાખ રુપિયામાં સોદો
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી દંપતીએ રિક્ષા ખરીદવા માટે આરોપી મહિલા જાગૃતિબેન પાસેથી 1 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ જાગૃતિબેન ફરિયાદીના પતિની ધર્મની બહેન થાય છે અને છેલ્લા 5 વર્ષથી પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવતી હતી. ઉઘરાણી દરમિયાન આરોપીએ દંપતીને લાલચ આપી હતી કે જો તેઓ પૈસા ચૂકવી શકે તેમ ન હોય, તો પોતાની નવજાત બાળકી તેમને આપી દે. આ માટે બાળકીના બદલામાં વધુ 1 લાખ રૂપિયા આપવાની પણ ઓફર કરવામાં આવી હતી.
રમાડવાના બહાને બાળકીનું અપહરણ
વિશ્વાસમાં લઈને આરોપી જાગૃતિબેન બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરે લઈ ગઈ હતી. જ્યારે માતાએ પોતાની દીકરી પરત માંગી, ત્યારે આરોપીએ ઠંડે કલેજે કહ્યું કે, "મેં બાળકીને સારા ઘરમાં વેચી દીધી છે." આ સાંભળી દંપતીના હોશ ઉડી ગયા હતા. જોકે, દંપતીએ પોલીસ ફરિયાદની ચીમકી આપતા આરોપીએ ડરીને બીજા જ દિવસે બાળકી પરત સોંપી દીધી હતી.
પોલીસ કાર્યવાહી
માતાની ફરિયાદના આધારે વટવા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું કે બાળકીને નડિયાદમાં આશરે 1.5 લાખ રૂપિયામાં વેચવાનો સોદો થયો હતો, જેમાં મુખ્ય આરોપી જાગૃતિબેનને 5,000 રૂપિયા મળ્યા હતા. પોલીસે આ કેસમાં બાળકી ખરીદનાર અને મદદ કરનાર સહિત કુલ 4 મહિલાઓની ધરપકડ કરી છે. વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. વછેટાના જણાવ્યા અનુસાર, આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે સઘન તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: Bhavnagar News: સિંહણના જડબામાંથી કેવી રીતે બચ્યો માલધારી? રૂંવાડા ઉભા કરી દે તેવો Live video આવ્યો સામે