31

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશ દ્વારા નાગરિકોને ટેક્સ ફ્રી બજેટની મોટી મોટી વાતો કર્યા બાદ હવે અમદાવાદીઓ પર ફરીથી સફાઈના નામે કરોડનો બોજો નાખવાની દરખાસ્ત કરાઈ છે. કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ છે જેમાં ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસ વધારવા માટે દરખાસ્ત કરાઈ છે. જેમાં રહેણાંક એકમો પાસેથી પ્રતિદિન 1 રૂપિયાની જગ્યાએ 3 રૂપિયા અને કોમર્શિયલ એકમો પાસેથી 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયાનો યુઝર ચાર્જ વસૂલવાની દરખાસ્ત કરાઈ છે.
સફાઈ અને સેનિટેશનની સુવિધા વધારવા નવા યુઝર્સ ચાર્જીસ નક્કી કરવા દરખાસ્ત કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉ રજૂ થયેલી આ દરખાસ્તને વિચારણા માટે મુલતવી રાખી હતી. સ્માર્ટ સિટી અમદાવાદને સ્વચ્છતામાં આગળ લાવવાના ભાગરૂપે ફરીથી કમિટીમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેનાથી શહેરીજનો પર રૂ.280 કરોડના ટેકસનું ભારણ વધશે. અગાઉ વિપક્ષ દ્વારા આ મુદ્દે વિરોધ કરાતા દરખાસ્ત સ્થગિત કરાઈ હતી. જો કે ફરી આ દરખાસ્ત આવી છે ત્યારે સત્તાધારી પાર્ટી કહે છે કે શહેરીજનોને બોજો ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટી યોગ્ય નિર્ણય કરશે. અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં વધારાની દરખાસ્ત આવી હતી જેને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા પરત મોકલવામાં આવી હતી.
વર્ષ 2022-23ના બજેટમાં કોઇપણ જાતનો વધારાનો ટેક્સ ન આપવાની લોલીપોપ આપ્યા બાદ ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં આ વધારો ઝીંકવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો આ વધારો ઝીંકવામાં આવશે તો વિપક્ષ તેનો વિરોધ કરશે તે નક્કી છે.