11 વર્ષનાં દિકરાને પાણીની ટાંકીમાં ડુબાડી સાવકા પિતાએ કર્યો હત્યાનો પ્રયાસ
અમદાવાદનાં વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક મહિલાએ પોતાનાં પતિ સામે હત્યાનાં પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. અને હત્યાનો પ્રયાસ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં પરંતુ પોતાનાં જ પુત્ર પર કરાયો છે. કળિયુગી પિતાએ 11 વર્ષનાં દિકરીને માર મારીને પાણીની ટાંકીમાં ડુબાડી મારી નાખવાનો પ્રયત્ન કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મૂળ મહારાષ્ટ્રનાં અને હાલ વિનોબાભાવેનગરમાં રહેતા 32 વર્ષીય સંગીતાબેન દિપકભાઈ આહીરેનાં પહેલા લગ્ન સમાજનાં રીતરીવાજ મુજબ મહારાષ્ટ્રમાં વાલ્મીકી આહીરે નામનાં યુવક સાથે થયા હતા.જે લગ્ન જીવનમાં તેઓને એક દિકરી અને એક દિકરો જન્મયા હતા.જોકે મનમેળ ન થતા તેમણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા તે જ સમયે મહિલાનાં ગામમાં જ રહેતા દિપક આહીરે સાથે તેમણે મંદિરમાં લગ્ન કર્યા હતા.જે બાદથી પતિ-પત્ની મહિલાનાં પૂર્વ પતિનાં બે બાળકો સાથે વિનોબાભાવેનગરમાં રહેવા આવ્યા હતા.સંગીતાબેન આહીરનાં પતિ દિપક આહીરે વ્યસની હોવાથી અવારનવાર ઘરખર્ચ બાબતે મારા-મારી કરતો હતો. સાથે જ મહિલાનાં બન્ને બાળકો અગાઉનાં પતિનાં હોવાથી તે બાબતની ઈર્ષા રાખી તેમની સાથે પણ મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપતો હતો.16મી જૂન ગુરુવારનાં રોજ સવારે 7વાગે મહિલાનો 11 વર્ષનો દિકરો જે વિનોબાભાવેનગરની સરકારી શાળામાં ઘોરણ -8 માં અભ્યાસ કરે છે તે સ્કૂલમાં ગયો હતો.તે સમયે મહિલાનાં પતિ દિપક આહીરે ઘરે હાજર ન હતા, જે બાદ સવારે 9 વાગે સંગીતાબેન 15 વર્ષની દિકરીને લઈને પોતાની સારવાર કરાવવા માટે વાડીલાલ હોસ્પિટલ ગયા હતા.તેવામાં સંગીતાબેનની નાની બહેન મનિષા મધુકરનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તારા પતિએ તારા છોકરાને પાણીની ટાંકીમા ડુબાડી દિધો છે.અને દિકરો ભાગીને મારી પાસે આવ્યો છે.જે બાદ સંગીતાબેને એલજી હોસ્પિટલમાં સારવાર માટે જવાનું જણાવીને પોતે પણ એલજી હોસ્પિટલ પહોંચી હતી.સંગીતાબેન આહીરેએ દિકરાને આ મામલે પુછતા તેણે જણાવ્યું હતું કે તે સવારે સાડા દસ વાગે સ્કૂલેથી ઘરે પરત આવ્યો હતો, તે સમયે પિતાએ તેને માં ક્યાં ગઈ છે, તેવુ પુછતા તેણે પોતાને જાણ ન હોવાનું જણાવ્યું હતું.જે બાદ પિતાએ ગુસ્સે થઈને ગાળો બોલી માર માર્યો હતો અને ઘરની પાણીની ટાંકીનું ઢાંકણુ ખોલીને 11 વર્ષીય પુત્રને ગળાથી પકડી ઉંચો કરી પાણીની ટાંકીમાં ડુબાડી દઈ થોડી વાર પછી બહાર કાઢી ફરી વાર માતા વિશે પુછી ફરી પાણીની ટાંકીમાં નાખીને ટાંકીનું ઢાંકણુ અડધુ બંધ કરી તને જાનથી મારી નાખુ તેમ કહી ઢાંકણુ આખુ બંધ કરી નાખ્યું હતું.આરોપી દિપક આહીરે ત્યાંથી જતો રહ્યો હતો અને પુત્ર પગથીયાથી પાણીની ટાંકી ઉપર ચઢી ઢાંકણુ ખોલી દોડીને માસીનાં ઘરે જતો રહ્યો હતો. 11 વર્ષીય કિશોરે સમગ્ર મામલે માસીને જાણ કરતા તેની માતાને જાણ થઈ હતી. આ ધટના અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મહિલાએ પોતાનાં પતિ સામે મારામારી અને હત્યાનાં પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાને પકડવાની તજવીજ તેજ કરી છે.


