23

અમદાવાદમાં GST (Goods and Service Tax) ના અઘિકારી પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આશ્રમ રોડ પર મુખ્ય વેરા કમિશનર કચેરીમાં સહાયક રાજ્ય વેરા કમિશનર-3માં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણ ડામોર સાથે સમગ્ર ઘટના બની છે. અધિકારીનું મુખ્ય કામ GST વિભાગમાં બોગસ બીલીંગ મારફતે થતી કર ચોરી અટકાવવાનું તેમજ મોટી રકમના GST ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સામે કાર્યવાહી કરવાનું છે.
ભાવનગરમાં આવેલી માધવ કોપર લીમીટેડ કંપનીના ડાયરેક્ટર નિલેશ નટુભાઈ પટેલે બોગસ બીલીંગ કરી 762 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાથી તેની ધરપકડની સુચના મળી હતી. આરોપીના કૌભાંડને લઈને તેના વિરુદ્ધમાં ઓથોરાઈઝેશન પત્ર જાહેર કરાયું હતુ. આરોપી નિલેશ પટેલ આગોતરા જામીન લેવા સુપ્રિમ કોર્ટમાં ગયો હતો, જ્યાંથી તેને નીચલી કોર્ટમાં જવાનું સુચન કરાયું હતું, જેથી આરોપીએ સેશન્સ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે અરજી સેશન્સ અને હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરાતા આરોપી ફરીથી સુપ્રિમ કોર્ટમાં આગોતરા જામીન લેવા જતા સુપ્રિમ કોર્ટે 18મી ફેબ્રુઆરી સુધી તેની ધરપકડ ન કરવાનું જણાવ્યું હતું.
19મી ફેબ્રુઆરીના રોજ GST અધિકારી પ્રવિણ ડામોરને માહિતી મળી હતી કે, આ ગુનાનો આરોપી નિલેશ પટેલ થલતેજ ન્યૂયોર્ક ટાવર પાસે છે, જેથી અધિકારી પોતાના અન્ય બે સાથી અધિકારી સાથે આરોપીને પકડવા માટે ગયા હતા, અધિકારી ત્યાં પહોંચતા જ નિલેશ પટેલ GST અધિકારીઓને જોઈને ઈનોવા ગાડી લઈને ભાગ્યો હતો, જેથી GST અધિકારીઓએ તેની ગાડીની પાછળ પોતાની ગાડી ભગાડી પીછો કર્યો હતો, જ્યાં સહજાનંદ કોલેજ આવતા આરોપી નિલેશ પટેલે પોતાની ગાડી રોકી હતી, જેથી અધિકારીઓઓએ ગાડીમાંથી ઉતરી નિલેશ પટેલની ગાડી પાસે જઈને તેને ગાડીનો કાચ નીચો કરવાનું કહેતા અધિકારીઓએ પોતે GST વિભાગમાંથી આવતા હોવાનું જણાવી ગાડીમાંથી બહાર આવવાનું કહ્યું હતું.
જે બાદ આરોપી નિલેશ પટેલે ગાડીનો કાચ બંધ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાંજના સમયે માણેક બાગ પાસે સિગ્નલ બંધ હોવાથી આરોપીએ ત્યાં ગાડી ઉભી રાખી હતી, જે સમયે અન્ય GST અધિકારીએ આરોપીના કારચાલકને ગાડી ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ આરોપીએ સિગ્નલ ખુલતાની સાથે જ પોતાની ગાડી રિવર્સ લેતા GST અધિકારી પ્રવિણ ડામોરની ગાડી સાથે ટક્કર થઈ હતી, જેના કારણે અધિકારી અને તેની સાથેના કર્મીને ગાડીનું ડેશબોર્ડ અને સ્ટેરીંગ માથા સાથે ભટકાતા ઈજા થઈ હતી. જે બાદ આરોપી નિલેશ પટેલ ત્યાંથી ફરાર થવામાં સફળ થયો હતો. આ મામલે એલીસબ્રીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.