43


રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પ્રીલિમનરી પરીક્ષાના પેપરલીકનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ધોરણ 10 અને 12ની પ્રિલીમનરી પરીક્ષાના પેપર યુ્ટ્યુબ પર લીક થયું હોવાનું સામે આવ્યું હતું. મીડિયા દ્વારા આ સમાચારો પ્રસારીત થતા માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વાતને રદિયો આપ્યો છે. સાથે જ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યુ કે રાજ્યમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પ્રિલીમનરી પરીક્ષા 2022ના પ્રશ્નપત્રો શાળાઓએ જ કાઢીને પરિક્ષા યોજવાની સુચના આપી છે. દરેક જિલ્લામાં શાળા વિકાસ સંકુલ અને શાળાના જુથો દ્વારા પ્રશ્નપત્રનું છાપકામ કરીને પરીક્ષાઓ લેવાની સુચના અપાઈ છે. જેથી પ્રિલીમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો જે-તે શાળાઓએ કાઢીને પરીક્ષા યોજવાની વ્યવસ્થા ગોઠવી છે.
પેપર લીક થવા મામલે તપાસના આદેશ અપાયા
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યુ કે ગાંધીનગર દ્વારા પ્રિલિમનરી પરીક્ષા માટેના પ્રશ્નપત્રો અપાયા નથી. તથા આ ઘટના અંગે અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથે આ ઘટના સાથે સંકળાયેલ તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે. DEO દ્વારા પણ કહેવામાં આવ્યુ કે જો સાચે જ પેપર લીક થયું હશે તો સાઈબર ક્રાઈમમાં ફરીયાદ કરવામાં આવશે. યુટ્યૂબ પર કોઈ યુટ્યૂબરે પેપર લીક કર્યું છે. જે પેપર લીક થયું એ હકીકતમાં ઓરિજિનલ પેપર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. ઓરિજિનલ પેપર હશે તો આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવશે.
શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચા છે. જો આ રીતે જ પેપર લીક થતાં હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી.