19

વિશ્વભરમાં 21મી ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ લોકો આ દિવસની સવિશેષ ઉજવણી કરતાં હોય છે. જેના ભાગરૂપ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ આગામી વિશ્વમાતૃભાષા દિવસની ઉજવણી કરવામા આવશે. માતૃભાષા દિને સમગ્ર ગુજરાતમાં 51 માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં 350થી વધુ સર્જકો સામેલ થશે. જેમાં કવિસંમેલન, વક્તવ્ય, વિમોચન, વાચિકમ, સંગીત, નાટક જેવા વિવિધા સભર કાર્યક્રમો થકી માતૃભાષાની વંદના કરાશે.
ગુજરાતના જાણીતા સાહિત્યકારો જોડાશે
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 21મી ફેબ્રુઆરી સોમવારે સાંજે 6.30 વાગ્યે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, આશ્રમ રોડ ખાતે ‘માતૃભાષા મહોત્સવ’ યોજાશે. આ કાર્યક્રમમાં જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના કાવ્યસંગ્રહ ‘અટ્ટણની ઓલીપા’નું વિમોચન પણ કરવામાં આવશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, વિખ્યાત વક્તા જય વસાવડા અને સુખ્યાત શાયર અંકિત ત્રિવેદી વક્તવ્ય આપશે. અતિથિવિશેષ મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામી કરશે.