Cobra Venom: પ્રતિબંધિત કોબ્રા ઝેરના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ, સુરત-વડોદરા અને હવે અમદાવાદ....
- Cobra Venom: સુરતમાં પ્રતિબંધિત કોબ્રા ઝેરના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો
- 2 આરોપીઓને રૂપિયા 10 લાખનું દેવું થઇ જતા કોબ્રા ઝેર વેચવા નીકળ્યા
- છેલ્લા દોઢ વર્ષથી કોબ્રા ઝેર વેચવા આરોપીઓ ગ્રાહક શોધી રહ્યા હતા
Cobra Venom: સુરતમાં પ્રતિબંધિત કોબ્રા ઝેરના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં સમગ્ર કેસમાં નવો ખુલાસો થયો છે. તેમાં 2 આરોપીઓને રૂપિયા 10 લાખનું દેવુ થઇ જતા કોબ્રા ઝેર વેચવા નીકળ્યા હતા. માર્ચ-2024 માં આ કોબ્રા ઝેર વેચવા લીધું હતુ. જેમાં છેલ્લા દોઢ વર્ષથી કોબ્રા ઝેર વેચવા આરોપીઓ ગ્રાહક શોધી રહ્યા હતા. તથા અમદાવાદના ઘનશ્યામ સોનીની પ્રશાંત શાહ સાથે બે-ત્રણ વર્ષથી મિત્રતા હતી.
કોબ્રા સાપનું કિંમતી ઝેર વેચવા આવેલી ટીમ ઝડપાઈ
ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદ કુલકર્ણીને રૂપિયા 10 લાખ ઉછીના આપ્યા હતા. તથા GIDCમાં શેડ રાખી પ્લાસ્ટિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં ધંધામાં નુકસાન જતા ઘનશ્યામ સોની તરફથી પૈસાની ઉઘરાણી શરૂ થઈ હતી. સમગ્ર મામલા વિશે જાણીએ તો પોલીસે અંદાજે રૂપિયા 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર જપ્ત કર્યું હતું. વડોદરાથી સુરત ઝેર વેચવા આવેલા સાત શખ્સોની ટોળકીને પોલીસે સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Cobra Venom: એક ગેંગ કોબ્રા સાપનું કિંમતી ઝેર વેચવા માટે સુરતમાં ગ્રાહક શોધતી
આ ઓપરેશનની વિગતો મુજબ, એસઓજીના પી.આઈ. એ.પી. ચૌધરીને બાતમી મળી હતી કે એક ગેંગ કોબ્રા સાપનું કિંમતી ઝેર વેચવા માટે સુરતમાં ગ્રાહક શોધી રહી છે. ગુનેગારોને પકડવા માટે પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં છટકું ગોઠવ્યું હતું. પી.આઈ. ચૌધરીએ પોતે ગ્રાહક બનીને આ ટોળકીનો સંપર્ક કર્યો અને કરોડો રૂપિયામાં ઝેર ખરીદવાની લાલચ આપી હતી. નાણાંની લાલચમાં આવી ગયેલી આ ટોળકી સોદો નક્કી કરવા માટે સરથાણા વિસ્તારમાં મિટિંગ કરવા પહોંચી હતી. જ્યાં અગાઉથી વોચમાં રહેલી પોલીસે ત્રાટકીને સાતેય આરોપીઓને રંગેહાથ દબોચી લીધા હતા.
સામાન્ય રીતે કોબ્રાનું ઝેર અત્યંત મોંઘું અને પ્રતિબંધિત હોય છે
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર વડોદરાથી સુરત લાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોબ્રાનું ઝેર અત્યંત મોંઘું અને પ્રતિબંધિત હોય છે. તબીબી ક્ષેત્રે તેનો ઉપયોગ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા નિવારવાની દવાઓ બનાવવામાં થાય છે. આ ઉપરાંત, કેન્સરની સારવાર અને સાપ કરડ્યા સામેની 'એન્ટી-વેનમ' રસી બનાવવામાં પણ તે મુખ્ય ઘટક છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશા માટે પણ આ ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો હોવાની આશંકા છે. પોલીસે રૂપિયા 5.85 કરોડનું ઝેર કબજે કરીને આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે. આ ઝેર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં 1 મિલીલીટર કોબ્રા સાપના ઝેરનો ભાવ આશરે 90 લાખ રૂપિયા
પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં મનસુખ ધીનૈયા, ચીમન ભૂવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, મકરંદ કુલકર્ણી, કેતન શાહ અને પ્રશાંત શાહનો સમાવેશ થાય છે. જેમાંથી મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે, જ્યારે અન્ય આરોપીઓ વડોદરાના છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી દીધી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 મિલીલીટર કોબ્રા સાપના ઝેરનો ભાવ આશરે 90 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો: Rajkot: સફાઈ કામદાર હાજરીમાં કૌભાંડ, કર્મચારી ગેરહાજર પણ ડિજિટલી હાજર!


