25

સરકાર દ્વારા જમીન માપણીની કામગીરી કરવામાં આવી છે તેમાં મોટાપાયે ભૂલો છે. આ ભૂલોને સુધારવા માટે સરકાર જે અરજીઓ મંગાવી રહી છે, તેનાથી પણ કોઈ ફાયદો થવાનો નથી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ કિસાન સેલના પાલ આંબલીયાએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા જમીન માપણીમાં ભૂલ સુધારણા અંગે અરજી મંગાવાઇ રહી છે, અને ભૂલ હોય તો તેમાં સુધારો કરી આપવામાં આવશે પરંતુ ભૂલ સુધારો કરવા છતાં પણ સમસ્યાનો હલ આવતો નથી કારણ કે જે ભૂલ સુધારવામાં આવે છે, તેની આજુ બાજુ આવેલી જમીનમાં પણ સુધારાની અસર થાય છે, અને તેમની જમીન માપણીમાં ફેરફાર થાય છે જે જમીન સુધારણા કરવામાં આવી છે, તેની આજુબાજુમાં આવતી જમીનના માલિકો જાગૃત ન હોય તો તેઓને નુકસાન થાય છે.
વધુમાં કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, મેન્યુઅલ મુજબ માપણી કરતા પહેલા ક્યાંથી માપણી કરવી તે જાણવાનું ખુબ જરૂરી છે પરંતુ આ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. પરિણામે જમીન માપણી ખોટી થઇ છે. કેટલીક ગોચર જમીન પણ ખાનગી લોકોના નામે થઇ ગઈ છે જેનું નુકાશાન સરકારે વેઠવું પડી રહ્યું છે. તો કિસાન કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર ભૂલ સુધારણાના નામે હૈયાધારણા આપે છે પણ ભૂલ સુધારણાના નાટકથી સ્થિતિ સુધરશે નહીં.
મેન્યુઅલ મુજબ પ્રક્રિયા હાથ ધરાઈ નથી તેથી માપણીની પ્રક્રિયા રદ્દ કરવી જોઈએ અને નવેસરથી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. વળી, જે લોકો ખોટી માપણી કરી તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે.