55

અમદાવાદ જિલ્લાનાં બાવળામાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા નવતાજ બાળકીના મૃત ભ્રુણને કચરાનાં ઢગલામાં મુકીને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે.બાવળામાં પશુપાલન કરતા વ્યક્તિ ખેતરેથી ઘરે પરત ફરી રહ્યાં ત્યારે તેઓએ આ માનવ ભ્રુણ જોતા પોલીસને જાણ કરી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાવળામાં ખેતી અને પશુપાલન કરતા રિતેશ ભરવાડ શનિવારે સાંજનાં સમયે ખેતરેથી ઘરે પરત જઈ રહ્યા હતા, રૂપાલ ગામ રોડ પર ખેતરેથી પસાર થતી વખતે આદ્રોડા ચોકડી પાસે રાધિકા હોટલની સામેની બાજુ હાઈવે પર કચરાનાં ઢગલા પાસે લોકોની ભીડ જામી હતી, જેથી ફરિયાદી ત્યાં ગયા અને જોયું તો એક માનવ ભ્રુણ મૃત હાલતમાં જોવા મળ્યું હતું.જેથી 108માં તે ભ્રુણને બાવળા સરકારી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યુ હતું.
હોસ્પિટલમાં તપાસ કરતા આ ભ્રુણ આશરે ચારથી પાંચ મહિનાનું તાજું જન્મેલી બાળકીનું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.જે બાદ ભ્રુણને પીએમ રૂમમાં રાખીને આ મામલે બાવળા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે બાવળા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી આસપાસનાં સીસીટીવી તેમજ તાલુકાનાં તમામ મેટરનીટી હોમમાં તપાસ શરૂ કરી છે.