Deesa : ખરડોસણ ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવતા થયા
- પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતે ભાગ્યના દ્વાર ખોલ્યા
- તમામ રીતે ઉપયોગી પ્રાકૃતિક ખેતી અપનાવી આવક વધારી
- પોતાની સાથે અન્યને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેર્યા
- સમય સાથે બદલાયેલા ખેડૂતને એવોર્ડરૂપી બહુમાન પણ મળ્યું
Deesa Organic Farming : ડીસા તાલુકાના ખરડોસણ ગામના વિમલભાઈ રબારી પ્રતિક ખેતી કરી વર્ષે 4 થી 5 લાખની કમાણી કરી રહ્યા છે, સાથે સાથે વિમલભાઈ કેન્સર જેવા ભયંકર રોગોથી બચવા માટે પોતાના ખેતરમાં જ પ્રાકૃતિક ખેતી થકી તમામ શાકભાજી પકવે છે, અને પોતાના ઘરે એ જ શાકભાજી નો ઉપયોગ કરે છે અને અન્ય ખેડૂતો પણ પોતાના ઘરે શાકભાજી ઉપયોગમાં લેવાય છે, તે પોતાના જ ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી ને શાકભાજી પકવે તેવી વિનંતી કરી રહ્યા છે.
વધુ ખર્ચ અને ઓછી આવકથી નવા વિકલ્પની શોધમાં હતા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખરડોસણ ગામના વિમલભાઈ આજે પ્રાકૃતિક ખેતી દ્વારા અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. પાંચ વર્ષ પહેલાં વિમલભાઈ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેમાં વધતા ખર્ચ, અને ઓછા ઉત્પાદનના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ મોટો ખર્ચ છતાં યોગ્ય નફો મળતો ન હોવાથી તેઓ વિકલ્પ શોધી રહ્યા હતા. દરમિયાન આત્મા પ્રોજેક્ટની બેઠકમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળતા વિમલભાઈએ રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો હતો. આજે તેઓ ઘઉં, બાજરી, મગફળી સાથે વિવિધ શાકભાજી જેવા પાકો પ્રાકૃતિક રીતે ઉગાડી રહ્યા છે, અને વર્ષે રૂ. 5 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને જમીનની ગુણવત્તા પણ સુધરી છે.
પોતાના માટે પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન
મહત્વની વાત છે કે, વિમલભાઈ પોતાના પરિવાર માટેનું તમામ શાકભાજી પોતાના ખેતરમાં જ પ્રાકૃતિક રીતે ઉગાડે છે, જેથી પરિવારને ઝેરમુક્ત અને સ્વસ્થ ખોરાક મળે. સાથે સાથે તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા સતત પ્રેરણા આપી રહ્યા છે. જો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી શક્ય ન હોય તો પણ ઓછામાં ઓછું પોતાના ખાવા માટેનું અનાજ અને શાકભાજી પ્રાકૃતિક રીતે ઉગાડવા તેઓ ખેડૂતોને માર્ગદર્શન આપે છે. વિમલભાઈના આ યોગદાનને માન્યતા આપતાં તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત મિલેનિયમ ફાર્મર નેશનલ એવોર્ડ સમારોહમાં તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો ------- Ahmedabad Flower Show: 'ભારત એક ગાથા' થીમ સાથે રચાયો નવો ઇતિહાસ, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા


