Dhangauri Barolia Letter : અમદાવાદના ધનગૌરી બારોલીયાએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને રાખડી મોકલી હતી. તેમણે મુખ્યમંત્રીને એક ભાવનાત્મક પત્ર પણ લખ્યો હતો, જેમાં ગયા વર્ષે ધારાલી દુર્ઘટના દરમિયાન તેમની સાથેની મુલાકાતને યાદ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને લખ્યો ભાવુક પત્ર
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદની રહેવાસી ધનગૌરી બરોલિયા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વચ્ચેના પવિત્ર સંબંધની આ એક એવી ભાવુક કહાની ફરી એક વખત સામે આવી છે, જે આંખોમાં ખુશીના આંસુ છલકાવી દે તેવી છે. લોહીના સંબંધોથી પણ ઉપર ઉઠીને માત્ર એક નાની લાગણી અને દુપટ્ટાના તાંતણે કઈ રીતે આખી જીંદગી માટેનો નાતો જોડી દીધો, તેની આ હૃદયસ્પર્શી ગાથા છે.
શું હતી સમગ્ર ઘટના ?
ઉલ્લેખનીય છે કે ધનગૌરી બરોલિયાએ પત્રમાં લખ્યું છે કે, ગયા વર્ષે ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા ત્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક હતો, તે સમયે પર્વતીય વિસ્તાર ધરાલીમાં અચાનક કુદરતી આફત ત્રાટકી પડી હતી. જેમાં ગુજરાત સહિત દેશભરના અનેક લોકો ફસાયા હતા. જીવન અને મૃત્યુ વચ્ચેના એ કપરા સમયમાં જ્યારે ચારેય તરફ ડરનો માહોલ હતો.
ત્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જાતે પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે ધનગૌરી બહેનને સહજભાવે પૂછ્યું કે, "શું તમારી પાસે રાખડી છે?" તે ક્ષણે રાખડી તો દૂરની વાત હતી, ત્યારે ધનગૌરીએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાના દુપટ્ટામાંથી એક નાનો ટુકડો ફાડી લીધો અને તેને જ રાખડી માનીને મુખ્યમંત્રીને બાંધી હતી. આ ઘટનાને યાદ કરીને આ વર્ષે ધનગૌરી બરોલિયાએ રાખડી અને ભાવુકપત્ર મુખ્યમંત્રીને મોકલ્યો હતો.
CM ધામીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો પત્ર
ધનગૌરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે મહાભારત કાળમાં જેમ ભગવાન શ્રીકૃષ્ણ એ દ્રૌપદીની રક્ષા કરી હતી, તે જ રીતે આ આપત્તિના સમયમાં મુખ્યમંત્રી ધામી ( ત્યાં ફસાયેલા લોકો માટે એક મોટો સહારો બન્યા હતા. આ વર્ષે તેઓ અમદાવાદમાં છે છતાં ભાઈ પ્રત્યેનો સ્નેહ ઓછો થયો નથી અને તેમણે પત્ર સાથે રાખડી મોકલીને મુખ્યમંત્રીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યની કામના કરી છે. જો કે આ પત્ર CM ધામીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ પણ વાંચો : New Rules For Bus Operators : બસોમાં પેનિક બટન અને CCTV ફરજિયાત, નોઈડા બસ ગેંગરેપની ઘટના બાદ દિલ્હી સરકાર એકશનમાં