Dholera Airport પર મોટી દુર્ઘટના: કેબલ કામ દરમિયાન કરંટ લાગતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત
Dholera Airport Accident: અમદાવાદ જિલ્લાના ધોલેરા (Dholera) માંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Dholera International Airport) વિસ્તારમાં સાઇડ પર કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, શ્રમિકો કામ દરમિયાન લોખંડની ઘોડી (સ્ટેન્ડ) ફેરવી રહ્યા હતા. તે જ સમયે આ લોખંડનું સ્ટેન્ડ ઉપરથી પસાર થઈ રહેલી હાઈ વોલ્ટેજ વીજ લાઇન (High Voltage Power Line) ને અડી ગયું હતું, જેના કારણે ક્ષણભરમાં જ સમગ્ર સ્ટેન્ડમાં તીવ્ર કરંટ ફેલાઈ ગયો હતો.
આ ભયાનક દુર્ઘટના સમયે કુલ પાંચ શ્રમિકો કરંટની ઝપેટમાં આવી ગયા હતા. હાઈ વોલ્ટેજ કરંટ એટલો જોરદાર હતો કે બે યુવાન શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો.
ધંધુકા હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા સુનિલ મકવાણા (Sunil Makwana) અને દિનેશ મેમરીયા (Dinesh Memariya) બંને મૃતક યુવાનો ધોલેરા તાલુકાના હેબતપુર (Hebatpur) ગામના વતની હતા. જ્યારે કરંટ લાગવાની આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિનેશભાઈ પરમાર, કમેશભાઈ વેગડ અને ગોપાલભાઈ વેગડને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પગલાં લેવાયા હતા. આ ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા (Dhandhuka) ની રેફરલ હોસ્પિટલ (Referral Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તંત્ર દોડતું થયું, સમગ્ર મામલે તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંને મૃતક યુવાનોના શ્રમિક દેહોને પોસ્ટમોર્ટમ (Post-Mortem) ની કાર્યવાહી માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કારીગરો લોખંડની ઘોડી વડે કેબલ ખેંચવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અજાણતા જ તે લાઈનને અડી ગઈ હતી. હાલમાં તંત્ર અને પોલીસ દ્વારા આ મામલે બેદરકારી કે અન્ય કારણોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે હેબતપુર ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: દાહોદમાં તંત્રની બેદરકારીએ લીધા જીવ, મહાકાય સાઈનબોર્ડ ધરાશાયી થતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત


