BAOU Inaugurates Sanskrit Kaksha: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગાંધીનગરના સહયોગથી તારીખ 01/09/2026ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન થયું. આ સાથે સંસ્કૃતસપ્તાહ અંતર્ગત સંસ્કૃત સાહિત્યદિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયના માર્ગદર્શન અને માનવવિદ્યા અને સમાજશાસ્ત્ર વિભાગના નિયામક પ્રો. યોગેન્દ્ર પારેખના દિશાનિર્દેશ હેઠળ યોજાયો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી (BAOU) માં સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન થયું
સમારોહના મંચ પર યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, કપડવંજ મહાવિદ્યાલયના આચાર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને પ્રો. યોગેન્દ્ર પારેખ ઉપસ્થિત રહ્યાં.
શંખનાદ, દીપપ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંસ્કૃતકક્ષનું મંગલ ઉદ્ઘાટન થયું. પ્રો. યોગેન્દ્ર પારેખે સૌને હૃદયપૂર્વક આવકારી જણાવ્યું કે સંસ્કૃતકક્ષના ઉદ્ઘાટનથી યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં એક નવી જ્યોતિનો ઉમેરો થયો છે. આ પ્રસંગે ડૉ. વિનોદ માજીરાણાએ ' ગામે નગરે સમસ્ત રાષ્ટ્રે રચયેમ સંસ્કૃત ભવનમ્' ગીતની પ્રસ્તુતિ કરી.
કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયનું પ્રેરણાદાયી વક્તવ્ય
અધ્યક્ષીય ઉદ્બોધનમાં પ્રો. અમી ઉપાધ્યાયે જણાવ્યું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી. તે સુમધુર સંગીત અને ભારતીય ઓળખનું સશક્ત માધ્યમ છે. કોઈપણ સંસ્કૃતિનું જતન તેની ભાષાની જાળવણી પર નભે છે. ભાષા સીમિત થવાથી વિચારો અને સંસ્કૃતિ પણ સીમિત થઈ જાય છે. ઇઝરાયેલમાં લુપ્ત થયેલી હીબ્રુ ભાષાનું પુનરુત્થાન ત્યાંના લોકોના દૃઢ રાષ્ટ્રપ્રેમ અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. સંસ્કૃત ભાષા કોઈ ચોક્કસ વર્ગ કે જ્ઞાતિ પૂરતી મર્યાદિત નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણની ચર્ચા દરમિયાન તેને રાષ્ટ્રભાષા બનાવવાનું સમર્થન કર્યું હતું. અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, સાહિત્ય અને અન્ય તમામ ભારતીય ભાષાઓનો મૂળ આધાર સંસ્કૃત છે.
![BAOU Inaugurates Sanskrit Kaksha- Gujarat first]()
20 દિવસનો નિઃશુલ્ક સંભાષણ વર્ગ શરૂ કરવાની ઘોષણા
વધુમાં તેમણે યુનિવર્સિટીના કર્મચારીઓ અને આસપાસના નાગરિકો માટે 20 દિવસનો નિઃશુલ્ક સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કરવાની તેમણે ઘોષણા કરી. ઉપરાંત રામાયણ, વેદ અને પ્રાચીન વિરાસતના સ્થળોને સાંકળીને 'સંસ્કૃત ટુરિઝમ'નો નવો કન્સેપ્ટ વિકસાવવાનો વિચાર પણ રજૂ કર્યો. યુનિવર્સિટીમાં છેલ્લા ચાર વર્ષથી 'સંસ્કૃત લેંગ્વેજ લેબ' કાર્યરત છે, યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સંસ્કૃત, ભારતીય જ્ઞાનપરંપરા અને હિંદુ સ્ટડીઝનો અનુસ્નાતક અભ્યાસક્રમ ચાલી રહ્યો છે તેનો પણ આનંદ વ્યક્ત કર્યો. વધુમાં તેમણે યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને રોજ ચાર-પાંચ સંસ્કૃતશબ્દનો મહાવરો કરવા અનુરોધ કરતા કહ્યું કે આ સર્વ પ્રયાસોથી રોજિંદા જીવનમાં સંસ્કૃતનો ઉપયોગ વધશે એવી અપેક્ષા છે.
મુખ્ય અતિથિ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષામાં વક્તવ્ય રજૂ કર્યું
મુખ્ય અતિથિ હિમાંજય પાલીવાલે ભાષાના પ્રચાર અને તેના મહત્ત્વ વિશે વાત કરતા કહ્યું કે સંસ્કૃત ભવનનું સાચું નિર્માણ ભૌતિક ઈંટોથી નહીં, ભાષાના સક્રિય સંભાષણ અને વિચારોથી થાય છે. બંધારણ સભા દરમિયાન દેશની એકતા અને અખંડિતતા માટે ડૉ. આંબેડકરે સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાનો દૂરદર્શી પ્રસ્તાવ મૂક્યો હતો.
550 થી વધુ સંસ્થાઓમાં ગુજરાત સરકારની યોજનાનો પ્રારંભ
તેમણે ગુજરાત સરકારની 'સંસ્કૃત કક્ષ' યોજનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિત 550થી વધુ સંસ્થાઓ તેમાં ઉત્સાહભેર જોડાઈ છે અને ગૌરવની વાત છે કે વિશ્વવિદ્યાલય કક્ષાએ સંસ્કૃત કક્ષની સ્થાપના કરનાર આ યુનિવર્સિટી પ્રથમ છે. વધુમાં જણાવ્યું કે સંસ્કૃત માત્ર વર્ગખંડ, શિક્ષક કે વિશ્વવિદ્યાલયની ભાષા નથી. સંસ્કૃત સર્વની ભાષા છે. આપણો મુખ્ય હેતુ કેવળ પુસ્તકીય જ્ઞાન આપવાનો નથી. સંસ્કૃતને વિજ્ઞાન જેવા આધુનિક વિષયો સાથે જોડીને સર્વત્ર સંસ્કૃતમય વાતાવરણ ઊભું કરવાનો છે.
અતિથિ વિશેષ ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું પ્રેરણાદાયી વ્યાખ્યાન
અતિથિ વિશેષ ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ શુક્લ યજુર્વેદના 34મા અધ્યાયના 'શિવ સંકલ્પ સૂક્ત'ના પ્રથમ 6 મંત્રોના આધારે મનની ગતિ વિશે વ્યાખ્યાન આપતા જણાવ્યું કે મન જાગ્રત કે સુપ્ત અવસ્થામાં દૂર સુધી ગમન કરે છે. તે ઇન્દ્રિયોનો સ્વામી છે. શિવ સંકલ્પ સૂક્ત'ના સૂક્તોમાં ઋષિ મન હંમેશાં કલ્યાણકારી અને શુભ સંકલ્પોવાળું બને તેવી પ્રાર્થના કરે છે. અને જણાવ્યું કે, સારથિ જેમ અશ્વને નિયંત્રણમાં રાખે તેમ મનને નિયમનમાં રાખીને જ્ઞાન અને શ્રેષ્ઠ કર્મો કરી શકાય છે.
IKS ઇન્ટરનેશનલ કોન્ફરન્સના છ શ્રેષ્ઠ સંશોધકોને કરાયા સન્માનિત
આ કાર્યક્રમમાં, અગાઉ યોજાયેલ IKS ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં નિર્ણાયકો દ્વારા પસંદ પામેલા છ શ્રેષ્ઠ શોધપત્રના સંશોધકોને યુનિવર્સિટી દ્વારા પ્રોત્સાહનરાશિ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સંશોધકોમાં અંજલિ રામોલ અને ડૉ. નરેન્દ્ર કુમાર, જૈમિન દવે, ડૉ. આદિત્ય જોશી અને જય જોશી, અફસાના ખાતુન, અર્પણ એ. નાયક અને દામિની શાહ, ડૉ. કૃતિ વ્યાસ અને પ્રો. દૃષ્ટા બારોટનો સમાવેશ થાય છે.
રામાયણ અને વેદને સાંકળીને 'સંસ્કૃત ટુરિઝમ'નો નવો કન્સેપ્ટ
આ પ્રસંગે નવનિર્મિત સંસ્કૃતકક્ષમાં વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, ઇતિહાસ, વ્યાકરણ અને ન્યાય આદિ ગ્રંથો મૂકવામાં આવ્યા. સાથે જ સંસ્કૃત ક્રીડા અને 'સાયન્સ ઇન સંસ્કૃત' પ્રદર્શનીની ગોઠવણી કરવામાં આવી.
કાર્યક્રમના અંતે સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડૉ. મુકેશ ઈઢારિયાએ સૌનો આભાર માન્યો. સંચાલક તરીકે ભારતીય જ્ઞાનપરંપરાના પ્રાધ્યાપક શ્યામ પટેલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. સૌની ઉત્સાહપૂર્ણ સહભાગિતાથી સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન ખરા અર્થમાં સાર્થક બની રહ્યું.
આ પણ વાંચો: Bhavnagar Latthakand Update: લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે