Ahmedabad: મોરૈયા ગામની 2 કંપનીઓ ભડભડ સળગી, આગ લાગવાનું કારણ અકબંધ!
- Ahmedabad: મોરૈયા ગામની બે ખાનગી કંપનીમાં લાગી આગ!
- અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં આવેલા
- આગ લાગતા અફડાતફરીનો માહોલ સર્જાયો
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચાંગોદરમાં આજે વહેલી સવારે આગની એક ભયાનક ઘટના સામે આવી છે. ચાંગોદર પાસે આવેલા મોરૈયા ગામ (Moraiya village) ની સીમમાં કાર્યરત બે ખાનગી કંપનીઓમાં એકાએક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. પતરાના શેડમાં ચાલતી પેપર અને અન્ય એક કંપનીમાં લાગેલી આ આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા.
વિકરાળ આગ ફાટી નીકળી
પ્રાપ્ત વિગતો અનુસાર મોરૈયા ગામમાં આવેલી 'શ્રી હરિ પેપર' (Shri Hari Paper) અને 'પિન્ગાઝ' (Pingaz) નામની બે કંપનીઓમાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આ બંને કંપનીઓ પતરાના શેડમાં કાર્યરત છે. પેપર કંપની હોવાને કારણે અંદર રહેલા કાગળના જથ્થાને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી.
Ahmedabad : મોરૈયા ગામની બે ખાનગી કંપનીમાં લાગી આગ | Gujarat First
અમદાવાદના મોરૈયા ગામની બે ખાનગી કંપનીમાં લાગી આગ
મોરૈયાની પતરાના શેડમાં ચાલતી ખાનગી કંપનીમાં આગ
શ્રી હરિ પેપર અને પિન્ગાઝ કંપનીમાં લાગી ભીષણ આગ
આગ લાગતા અફરાતફરીનો સર્જાયો હતો માહોલ
કોલ મળતા જ ફાયર વિભાગની 6… pic.twitter.com/BqK1aYZDwz— Gujarat First (@GujaratFirst) January 8, 2026
Ahmedabad: ફાયર વિભાગની કામગીરી
આગની ઘટના અંગે સવારે 6 વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. આગની ગંભીરતાને જોતા માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં, પરંતુ આસપાસની નગરપાલિકાઓની પણ મદદ લેવામાં આવી હતી. હાલમાં ઘટનાસ્થળે ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી હતી. જેમાં સાણંદ નગરપાલિકા અને બાવળા નગરપાલિકાના ફાયર ફાઈટરોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 5 કલાકથી ફાયર ફાઈટરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે.
મોટું નુકસાન!
રાહતની વાત એ છે કે આ ભીષણ આગમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આગ લાગી ત્યારે કંપનીમાં મર્યાદિત સંખ્યામાં સ્ટાફ હાજર હોવાથી સમયસર બહાર નીકળી જવામાં સફળતા મળી હતી. જોકે, આર્થિક દૃષ્ટિએ બંને કંપનીઓને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. કંપનીમાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર પેપરનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
આ પણ વાંચોઃ Gujarat: જાણો કેમ લાગ્યો A4 સાઈઝ પેપરના પરિપત્ર પર હાલ પુરતો સ્ટે?


