
અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં રહેતા અને શાંતિ સેવા ફાઉન્ડેશન તથા ઉત્કર્ષ મહીલા સેવા મંડળના નામે NGO ચલાવતા મધુબેન જાદવ સાથે 5 લાખ રૂપિયાની ઠગાઈની ધટના સામે આવી છે. જેમાં મધુબેન જાદવ છેલ્લાં 17 વર્ષથી વિધવા બહેનોને સહાય આપવાનું તેમજ ગરીબોને અનાજ વિતરણની સેવાકિય પ્રવૃતિ કરે છે. ફરિયાદીની એનજીઓમાં અનેક મહિલાઓ અને ગરીબો આવતા હોવાથી સરકારી ગ્રાન્ટની જરૂર રહેતી હોય છે. જે ગ્રાન્ટ અપાવવાનું કામ કરતા ચંદ્રકાન્ત મોવડીયા સાથે ફરિયાદીને 2021માં પરિચય થયો હતો.ચંદ્રકાન્ત મોવડીયાએ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે ખર્ચ થશે તેમ જણાવતા મહિલાએ તે સમયે પોતાની પાસે રૂપિયા ન હોવાથી બેંકમાં પોતાનાં દાગીનાં મુકીને ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા.
ફરિયાદી મહિલાને અન્ય મહિલાએ જણાવ્યું હતું કે, આરોપી ચંદ્રકાન્તે ઔડામાં મકાન અપાવવાનું કહીને 20 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.જે બાદ અન્ય મહિલાઓએ પણ આવીને ફરિયાદીને ચંદ્રકાન્ત મોવડિયાએ સરકારી સહાયમાંથી સીલાઈ મશીન અપાવવાનું કહીને 500-500 રૂપિયા લીધા હોવાનું જણાવ્યું હતું.સાથે જ મહિલાના એનજીઓમાં આવતા જરીનાખાન પઠાણને પણ ચંદ્રકાન્તે બ્યુટી પાર્લરનાં ક્લાસ શરૂ કરવા માટે સરકારમાથી 50 લાખની સહાય અપવવાની લાલચ આપીને 4 લાખ રૂપિયા પડાવ્યા હતા.આ રીતે આરોપી ચંદ્રકાન્ત મોવડિયા જે લોકોને સરકારી ગ્રાન્ટના નાણાં અપાવવાની લાલચ આપે છે અને બાદમાં પ્રોસેસ કરવાના નામે અને પૈસા કઢાવવાના નામે લાખો રૂપિયા પડાવી લેતો હતો. આરોપીએ આ રીતે અનેક NGO સંચાલકોને છેતર્યા હોવાનું સામે આવતા એલસીબ્રિજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે એલીસબ્રિજ પોલીસે આરોપી ચંદ્રકાન્ત મોવડીયાની ધરપકડ કરી છે.આરોપી મૂળ અમદાવાદનો છે અને તેમણે ચારથી વધુ મહિલાઓ પાસે અલગ અલગ ગ્રાન્ટ, રકમ કે સહાય ના નામે દસેક લાખથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.સાથે જ આરોપી કેટલા સમયથી કેટલા લોકો સાથે આ રીતે ઠગાઈ કરી ચૂક્યો છે તે આંકડો જાણવા તપાસ શરૂ કરી છે.