અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે એક પોલીસ ઓપરેશન દરમિયાન આત્મરક્ષણ માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. શહેરની ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ એક વોન્ટેડ આરોપીને પકડવા માટેના સર્ચ ઓપરેશનમાં હતા. આ સમયે તેઓ સાદા કપડામાં હોવાથી આરોપી તેમને ઓળખી શક્યો ન હતો.
છરી કાઢીને JCP શરદ સિંઘલ પર જીવલેણ હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી કલીમ કે જેની શોધખોળ પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી, તે ડ્રગ્સના નશામાં ધૂત હતો. પોલીસ જ્યારે તેને પકડવા નજીક પહોંચી ત્યારે આરોપીએ એકાએક રસોડામાં વપરાતી છરી કાઢીને JCP શરદ સિંઘલ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં JCP શરદ સિંઘલે પોતાનો બચાવ કરવા માટે ડાબો હાથ આગળ ધરતા તેમને ઈજા પહોંચી હતી.
Ahmedabad: JCP એ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, પોતાની અને અન્ય પોલીસ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે JCP શરદ સિંઘલે તાત્કાલિક સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. આ ગોળી આરોપી કલીમના પગમાં વાગી હતી, જેના કારણે તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેને ઝડપથી કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ ડ્રગ્સના નશામાં રહેલા આરોપીની ઉગ્રતા અને અગાઉથી નક્કી થયેલા ઓપરેશન દરમિયાન બનેલી એક અનપેક્ષિત હિંસક ઘટના તરીકે સામે આવી છે.
આરોપી કલીમ સામે 25થી વધુ ગુનાઓ નોંધાયેલા
આરોપી કલીમ સામે અગાઉથી જ 25થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ ઈજાગ્રસ્ત અધિકારીને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે આરોપીને કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઓપરેશને ફરી એકવાર સાબિત કર્યું છે કે ડ્રગ્સના નશામાં રહેલા ગુનેગારો કેટલા હિંસક બની શકે છે અને પોલીસ કર્મીઓએ ઓપરેશન દરમિયાન કેટલા જોખમોનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: Gandhinagar: રાજ્યના તલાટીઓ લડાયક મૂડમાં, આવતીકાલથી કામગીરીથી અળગા રહેવાની ચીમકી, શું છે માગણીઓ?