Heavy Rain Guidelines: રાજ્યમાં મેઘરાજાની તોફાની ઇનિંગ અને અતિભારે વરસાદની (Heavy Rain) આગાહીના પગલે નાગરિકોની સુરક્ષા અને જાનમાલના રક્ષણ માટે તંત્ર દ્વારા ખાસ 'સાવચેતી માર્ગદર્શિકા' (Safety Guidelines) જાહેર કરવામાં આવી છે. આપત્તિના સમયે નાગરિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ ભૂલો ન કરવી તે અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
શું કરવું? (Do's)
હવામાન વિભાગની આગાહી પર નજર રાખો: હવામાન વિભાગ (IMD) અથવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું સતત પાલન કરો.
ઘરમાં જ સુરક્ષિત રહો: કોઈ અત્યંત જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો અને સુરક્ષિત સ્થળે રહો.
ચાર્જિંગની તૈયારી: વીજળી ગુલ થવાની સ્થિતિમાં ઉપયોગી બને તે માટે મોબાઈલ ફોન અને પાવર બેંક (Power Bank) અગાઉથી ચાર્જ રાખવા.
જરૂરી કિટ તૈયાર રાખો: પીવાનું ચોખ્ખું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, બેટરી, સૂકો નાસ્તો અને અગત્યના સરકારી દસ્તાવેજો (Documents) વોટરપ્રૂફ બેગમાં મજબૂતાઈથી સાચવીને રાખો.
વીજ ઉપકરણો બંધ કરો: ઘરમાં પૂર કે વરસાદનું પાણી પ્રવેશે તેવી સ્થિતિમાં તાત્કાલિક મુખ્ય વીજ સ્વીચ (Main Switch) બંધ કરી દેવી.
વાહન ધીમે ચલાવો: રસ્તા પર વાહન ચલાવતી વખતે હેડલાઇટ (Headlight) ચાલુ રાખવી અને આગળના વાહનથી પૂરતું અંતર જાળવીને વાહન અત્યંત ધીમે ચલાવવું.
શું ન કરવું? (Don'ts)
ભરાયેલા પાણીમાં ન જવું: રસ્તા પર ભરાયેલા પાણીમાં ચાલવું કે વાહન ચલાવવું જોખમી બની શકે છે, કારણ કે પાણીની અંદર ખુલ્લી ગટર (Gutter) કે ઊંડા ખાડા દેખાતા નથી.
વીજળીના થાંભલાથી દૂર રહો: ખુલ્લા વીજ વાયર, ટ્રાન્સફોર્મર કે વીજળીના થાંભલા નજીક જવું નહીં, કરંટ લાગવાનું જોખમ રહેલું છે.
નદી-નાળા કે ડેમ નજીક ન જવું: નદી, તળાવ કે ડેમ (Dam) કિનારે ન જવું, કારણ કે ઉપરવાસમાં વરસાદથી અચાનક પાણીનું સ્તર વધી શકે છે.
જૂની દિવાલ કે ઝાડ નીચે આશરો ન લેવો: ભારે પવન અને વરસાદમાં વૃક્ષ કે જૂની કાચી દિવાલ ધરાશાયી થઈ શકે છે, તેથી તેની નીચે ઊભા ન રહેવું.
અફવાઓથી બચો: સોશિયલ મીડિયા પર વહેતી ચકાસ્યા વગરની અફવાઓ પર વિશ્વાસ ન કરવો, માત્ર સત્તાવાર અને અધિકૃત માહિતી પર જ ભરોસો રાખવો.
ઈમરજન્સીમાં આ નંબરો પર સંપર્ક કરવો
કોઈપણ અકસ્માત કે પૂરની ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સહાય માટે નીચે મુજબના હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધવા જણાવાયું છે:
112: ઇમરજન્સી સહાયતા સેવા
108: એમ્બ્યુલન્સ સેવા
આ સિવાય સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ (Fire Brigade) અને જિલ્લા કંટ્રોલ રૂમનો (District Control Room) સંપર્ક સાધી શકાય છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ માટે અત્યંત ડરામણી આગાહી: રસ્તાઓ બની શકે છે નદી! 8 ઇંચથી વધુ વરસાદની આગાહી