43

2019ના વર્ષની અંદર એસ.જી. હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા બે મહિલાાઓને માર મારવાની ઘટના બની હતી. મોડી રાતના સમયે ટ્રાફિક નિયમના ભંગ બદલ તેમને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંગે આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કમિશનરને હાજર રહેવા માટે ફરમાન કર્યુ હોવાથી બંને વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા. સુનવણી દરમિયાન હાઇકોર્ટે પોલીસ કર્મીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ઝાટકણી પણ કાઢી હતી.
વોરન્ટ ન હોવા છતાં ધરપકડ કેમ કરી?
સુનવણી દરમિયાન હાઇકોર્ટે પૂછ્યું કે અરેસ્ટ વોરન્ટ ના હોવા છતા રાત્રિના સમયે મહિલાઓની ધરપકડ શા માટે કરવામાં આવી? ગંભીર ગુના સિવાય મહિલાની રાત્રિના સમયે ધરપકડ કરી શકાય નહીં અને સાથોસાથ એરેસ્ટ મેમોમાં પણ ધરપકડની વિગતો યોગ્ય રીતે રજૂ કરવામાં આવી નથી. આ બંને બાબતોને હાઇકોર્ટે ગંભીર ગણાવી છે. સાથે જ કોર્ટે કહ્યું કે, આવા કર્મીઓના કારણે જ પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઇ રહ્યો છે. તો સાથે એવું પણ ઉમેર્યું હતું કે એવા પણ પોલીસકર્મીઓ છે કે, જેઓ રાત દિવસ જોયા વગર ડિપાર્ટમેન્ટ માટે કામ કરતા હોય છે. ગુજરાત હાઇકોર્ટે જવાબદાર ત્રણેય પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે. ઉપરાંત તપાસનો રિપોર્ટ 25 ફેબ્રુઆરી સુધીમાં સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે.
પીઆઇએ ઠંડુ પીણું પીતા કોર્ટ નારાજ
કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહેલા ટ્રાફિક પીઆઇ આજે સુનવણી દરમિયાન ઠંડું પીણું પીતા હોવાનું કોર્ટના ધ્યાનમાં આવ્યા બાદ ચીફ જસ્ટિસે તેમની ઝાટકણી કાઢી હતી. કોર્ટે આ અંગે ટ્રાફિક પીઆઇને ખખડાવતા કહ્યું કે, શું કોર્ટ પ્રત્યક્ષ રીતે શરુ હોત તો પણ તેઓ ઠંડું પીણું લઇને આવત? તેમના ઉપરી અધિકારી હાજર હોવા છતાં તેઓ કેફેમાં હોય તેવું વર્તન કરી રહ્યા છે. જો કે, બાદમાં સરકારી વકીલે તેમના વતી માફી પણ માંગી હતી અને કહ્યું કે તેઓ પહેલાથી જ ચિંતામાં છે. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે હવે તેમની ચિંતામાં વધારો થશે.
વકીલોને અમૂલ ટીન આપવાની સજા કરી
બાદમાં કોર્ટે ઠંડું પીણું પીનારા પીઆઇને કહ્યું કે ‘તેઓ બાર એસોસિએશનમાં 100 અમૂલ જ્યુસના ટીનનું વિતરણ કરે. ’ આ સિવાય કોર્ટે આ ટીન સરકારી વકીલ પાસે પહોંચે છે કે, નહીં તેની ખાતરી કરવાના પણ નિર્દેશ આપ્યા છે.