Gujarat : 1લી મે : ગુજરાત રાજ્યનો 65મો સ્થાપના દિન
• છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’
• ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા
• ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય : દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા
• વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર
• કરવામાં પણ ગુજરાત આગવી ભૂમિકા અદા કરવામાં અગ્રેસર
• ભારતની કુલ નિકાસનો આશરે ૩૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાત પાસે
• ભારતની GST આવકમાં ગુજરાતનો ફાળો ૮ ટકા
• રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
• ડિજિટલ ક્રાંતિ થકી ગામથી ગ્લોબલ બન્યું ગુજરાત
Gujarat : ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)એ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ તેમજ જન ભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. જેના પરિણામે છેલ્લા બે દાયકાથી ગુજરાત દેશમાં વિકાસની રાજનીતિના નવા અધ્યાય થકી સતત રોલ મોડલ પુરવાર થઈ રહ્યું છે.
ગુજરાતની અવિરત વિકાસ યાત્રા
સૌ ગુજરાતીઓએ ગૌરવ થાય એવા ગુજરાત (Gujarat)ના ૬૫માં સ્થાપના દિન ૧લી મેએ આપણે આ અવિરત વિકાસ યાત્રાને વધુને વધુ આગળ વધારવા સંકલ્પબદ્ધ બનવું જ રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) પણ આજ માર્ગે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત એ ભારતની વસતિના ૫ ટકા અને જમીનનો ૬ ટકા ભાગ ધરાવે છે તેમ છતાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત દેશના GDPમાં ૮.૨ ટકા ફાળો આપી રહ્યું છે. જ્યારે ભારતના ટોચના પાંચ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં ગુજરાત સ્થાન ધરાવે છે. ગુજરાત(Gujarat) ગૌરવશાળી ભૂતકાળ ધરાવતું રાજ્ય છે અને ભવિષ્ય માટે પહેલ કરતી અગ્રગણ્ય શક્તિ છે. અહીં મંદિર છે તો મોલ પણ છે, અહીં રણ ઉત્સવ છે તો ગિફ્ટ સિટી પણ છે. અહીં આધુનિક બાંધકામ છે તો પર્યાવરણને કેન્દ્ર સ્થાને રાખતાં ગ્રીન બિલ્ડિંગ્સ પણ છે. ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વ્હાઈટ રેવિન્યુ જનરેટિંગ પોર્ટ્સ – આવી અનેક યોજનાઓ ગુજરાતને નેશનલ લીડરશિપ તરફ લઈ જઈ રહી છે.
વાત કરીએ આપણા ગુજરાતના વિકાસની...
ગુજરાતનો ઈતિહાસ શરૂઆતથી જ ખૂબ જ વૈભવશાળી રહ્યો છે. લોથલ અને ધોળાવીરા જેવી સિંધુ ખીણ સંસ્કૃતિની સાઇટ્સથી લઈને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર સુધી, ગુજરાતે ભારતના ઈતિહાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી કૃષ્ણના દ્વારકા ધામથી લઈને સુફી સંસ્કૃતિ સુધી, ગુજરાત એક સાંસ્કૃતિક મેળાપનું પણ ઉદાહરણ છે. ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના સતત માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ ગુજરાતીઓના અથાક પરિશ્રમથી ભારતના અર્થતંત્રમાં ગુજરાત એક મહત્વપૂર્ણ અને શક્તિશાળી રાજ્ય તરીકે વિશેષ સ્થાન ધરાવે છે.
ગુજરાતનું નિકાસના ક્ષેત્રમાં અગ્રણી સ્થાન
આ ઉપરાંત ગુજરાત નિકાસના ક્ષેત્રમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. ભારતમાં થતી કુલ નિકાસનો આશરે ૩૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાત ધરાવે છે. આમાં મુખ્યત્વે પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, સેરામિક્સ, જેમ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને ફાર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કુલ ૮૮.૧૬ બિલિયન યુ.એસ. ડોલરની નિકાસ સાથે દેશમાં ગુજરાતનો હિસ્સો ૨૭.૪૦ ટકા હતો. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ(Gujarat Policy Driven State) તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ તરીકે સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટસ પોલિસી, ટુરિઝમ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે.
ડિજિટલ ગુજરાત: ગામથી ગ્લોબલ સુધી
ગુજરાત આજે ડિજિટલ ગવર્નન્સ (Digital Governance)માં પણ આગવું સ્થાન ધરાવે છે. “ઈ ગ્રામ વિશ્વગ્રામ”, ડિજિટલ સેવા સેતુ, જેવી યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની છે. હવે માત્ર શહેર નહીં, ગામડાં પણ ટેક્નોલોજીથી જોડાયા છે. “ગરવી” એપ દ્વારા હવે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતાની મિલકતો અને જમીન સંબંધિત કામગીરી ઓનલાઇન કરી શકે છે. ગુજરાત માત્ર ભારતમાં નહિ, પરંતુ ગ્લોબલ ગુજરાતી સમુદાયને જોડે છે.
આ પણ વાંચોઃ Tribals Akhatreej : આદિવાસીઓ માટે અખાત્રીજ એટલે નવા વર્ષની શરૂઆત
યુવાનો માટે અવસર: ગુજરાતનું ભવિષ્ય
ગુજરાત સ્ટાર્ટઅપ મિશન, આઈ-હબ, એગ્રિકલ્ચરલ પ્રોગ્રામ જેવી પહેલ યુવાનોને મંચ આપી રહી છે. રાજ્યના યુવાનો હવે ખેતીથી આઈ.ટી સુધી, ધંધાથી ડેટા એનાલિટિક્સ (Data Analytics) સુધી દરેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ ઉજાગર કરી રહ્યા છે. એમ્પલોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક- ૨૦૨૩ મુજબ રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
ગુજરાતનો ગૌરવપદ વારસો
પ્રવાસન ક્ષેત્રના સુનિયોજીત વિકાસ માટે આતિથ્યમ ટુરિસ્ટ ફુટફોલ ડેશ બોર્ડ(Tourist Footfall Dash Board) તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગિરના એશિયાઇ સિંહો, કચ્છનો રણોત્સવ, અને અમદાવાદ શહેરના હેરિટેજ ટાઉનનો દરજ્જો, રાણકી વાવ, ધોળાવિરા, ચાંપાનેર અને સુદર્શન સેતુ જેવા અનેક સ્થળો ગુજરાતના ગૌરવપદ વારસાને સાચવીને બેઠા છે.
આધુનિક ગુજરાતનું ટેકનોલોજીયુક્ત ભવિષ્ય
ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક રાજ્ય નથી. તે હવે એક ટેક-સેવી, સ્ટાર્ટઅપ-મૈત્રીપૂર્ણ અને ઇનોવેશનને પોષતું રાજ્ય બની ચૂક્યું છે. ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટપ ક્ષેત્રે પ્રથમ નંબરે છે. આજે ગુજરાત ગિફ્ટ સિટી ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર – IFSC(International Financial Services Center) હોવાના ગૌરવ સાથે જોડાયેલું છે. અહીં બ્લોકચેનથી લઈને AI, ફિનટેક સ્ટાર્ટઅપ્સ સુધીની સર્વિસ ઉપલબ્ધ છે.
ઔદ્યોગિક વિકાસ અને રોકાણ
ગુજરાતે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટે’(‘Vibrant Gujarat Summit’) સફળતાઓ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૪માં તેની ૧૦મી આવૃત્તિ યોજાઈ હતી. છેલ્લા બે વર્ષમાં ટેસલા, માઇક્રોન, ફોક્સકોન જેવી આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓએ ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પ્રસ્તાવ મૂક્યા છે. આ ઉપરાંત સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’(Statue of Unity) પ્રવાસનના ક્ષેત્રે ભારતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં લાખો પ્રવાસીઓના દૈનિક પ્રવાહથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે. પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ધોલેરા ઝડપથી વિકાસ પામી રહ્યું છે. અહીં ઈ-વેહિકલ, રીન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર્સમાં મોટાપાયે રોકાણ થયું છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન ભવિષ્ય તરફ દોડતા ગુજરાતની સાક્ષી પુરે છે.
આ પણ વાંચોઃ Surat : 11 વર્ષના વિદ્યાર્થી સાથે ફરાર શિક્ષિકા આખરે ઝડપાઈ, પોલીસ પૂછપરછમાં થયો મોટો ખુલાસો
અહેવાલઃ કનુ જાની....