Gujarat Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત અને જામનગરમાં મહેસૂલ કર્મચારીઓ કામકાજથી અળગા રહેતાં આવકના દાખલા, પેન્શન, રેશનકાર્ડ, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર અને જમીન સંબંધિત કામગીરીને અસર પહોંચી છે. જામનગરમાં મહેસૂલી વર્ગ-3ના 260 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જ્યારે સુરતમાં મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત આશરે 500 કર્મચારીઓએ પેન ડાઉન કરી કામગીરીનો બહિષ્કાર કર્યો છે. કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેની સીધી અસર સરકારી કચેરીઓમાં કામ માટે આવતા અરજદારો પર પડી રહી છે.
જામનગરમાં મહેસૂલી વર્ગ-3ના 260 કર્મચારીઓ બીજા દિવસે પણ હડતાળ પર
જામનગરમાં મહેસૂલ વિભાગના વર્ગ-3 ના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત્ રહી છે. નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સહિત આશરે 260 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. હડતાળને કારણે સરકારી કચેરીઓમાં નિયમિત કામગીરી પ્રભાવિત થઈ છે. ખાસ કરીને આવકના દાખલા, પેન્શન અને રેશનકાર્ડ સંબંધિત કામ માટે આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂની કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
જામનગરમાં મહેસૂલ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ અંગે વિરોધ નોંધાવવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો. જૂની કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને પુરુષ કર્મચારીઓએ આ વિરોધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કર્મચારીઓએ હાથમાં અલગ-અલગ માંગણીઓ દર્શાવતાં પ્લેકાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. રામધૂનના માધ્યમથી કર્મચારીઓએ પોતાની માંગણીઓ અંગે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
બાલા હનુમાન મંદિરે પ્રાર્થનાનું આયોજન
જામનગરમાં હડતાળ પર રહેલા મહેસૂલ કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓનો વહેલી તકે ઉકેલ આવે તે માટે ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે સાંજના સમયે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓનો ઉકેલ આવે તે માટે પ્રાર્થના કરવાનું આયોજન કર્યું છે.
'રાજ્ય મહામંડળના આદેશ મુજબ આગામી રણનીતિ નક્કી કરાશે': આનંદ વ્યાસ
જામનગરના નાયબ મામલતદાર આનંદ વ્યાસે મહેસૂલ કર્મચારીઓની હડતાળ અંગે જણાવ્યું હતું કે કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે હડતાળ પર છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય મહામંડળના આદેશ મુજબ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
સુરતમાં પણ મહેસૂલ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
જામનગરની સાથે સુરતમાં પણ મહેસૂલ વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને કારણે સરકારી કામગીરીને ભારે અસર પહોંચી છે. સુરત શહેર અને જિલ્લાના મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત આશરે 500 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.કર્મચારીઓએ પેન ડાઉન કરીને કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. તેના કારણે જનસુવિધા કેન્દ્રો, જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રો સહિતની કામગીરી ખોરંભે પડી છે. મહેસૂલ વિભાગને લગતી વિવિધ કામગીરી અટકી જતાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતનાં 12 જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રોની કામગીરી ખોરંભે
સુરત શહેર અને જિલ્લામાં આવેલા કુલ 12 જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરા કેન્દ્રોની કામગીરી મહેસૂલ કર્મચારીઓની હડતાળને કારણે પ્રભાવિત થઈ છે. કર્મચારીઓના પેન ડાઉન આંદોલનને કારણે આ કચેરીઓમાં તાળા જેવી સ્થિતિ સર્જાઈ છે. આવકના દાખલા, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર અને અન્ય મહત્ત્વના સરકારી દસ્તાવેજો મેળવવા આવતા અરજદારોનાં કામ અટકી ગયાં છે.મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળને કારણે જિલ્લાની વહીવટી કામગીરી પણ ખોરવાઈ છે.
ચાર દિવસથી સરકારી કચેરીઓના ધક્કા ખાતા અરજદારો
સુરતમાં મહેસૂલ કર્મચારીઓની હડતાળને કારણે અરજદારોને છેલ્લા ચાર દિવસથી સરકારી કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. વિવિધ પ્રમાણપત્રો અને દસ્તાવેજો મેળવવા માટે આવતા અરજદારોને કર્મચારીઓની હડતાળને કારણે જરૂરી કામગીરી કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. વારંવાર કચેરીઓ સુધી પહોંચવા છતાં કામ ન થતાં અરજદારોની હાલાકી વધી છે.
પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓની હાલત કફોડી
સુરતમાં મહેસૂલ કર્મચારીઓની હડતાળની અસર વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. નોન-ક્રીમીલેયર અને આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. જરૂરી દસ્તાવેજો સમયસર ન મળતાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.
અમદાવાદમાં પણ મહેસૂલ કર્મચારીઓની હડતાળ
અમદાવાદમાં પણ મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ છેલ્લા બે દિવસથી હડતાળ પર ઉતર્યા છે. નાયબ મામલતદાર, રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટી સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. પોતાની 14 પડતર માંગણીઓને લઈને રાજ્યભરની કલેક્ટર કચેરીઓ ખાતે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કર્મચારીઓએ અનોખી રીતે સેવા-સફાઈ અભિયાન હાથ ધરી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ પોતાની માંગણીઓના ઉકેલ માટે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
'માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે': કે.સી. સોલંકી
મહેસૂલ કર્મચારીઓની હડતાળ અંગે રાજ્ય મહામંડળના મહામંત્રી કે.સી. સોલંકીએ જણાવ્યું હતું કે કર્મચારીઓની કુલ 14 પડતર માંગણીઓ છે, જેના ઉકેલ માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓને આશા છે કે સરકાર અને સંબંધિત વિભાગ સાથે સુખદ વાતચીત તથા બેઠક યોજાશે અને તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કર્મચારીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ હડતાળમાં મોટી સંખ્યામાં મહેસૂલ કર્મચારીઓ જોડાયા છે.
આ પણ વાંચો : Morbi Mega Demolition : મોરબીમાં 187 કાચા-પાકા મકાનો પર મનપાનો સપાટો, ₹80 કરોડની જમીન ખાલી કરાવાશે