Gujarat Weather Update: ગુજરાત પર હાલમાં વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 સક્રિય ટ્રફની સિસ્ટમને પગલે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ, અમદાવાદના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
કયા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ?
હવામાન વિભાગે રાજ્યને વિવિધ ઝોનમાં વહેંચીને વરસાદની ચેતવણી આપી છે.
રેડ એલર્ટ: આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે.
અતિ ભારે વરસાદની આગાહી: અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદની આગાહી: જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુમાં, અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે (Thunderstorm) વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારો અને બંદરો માટે સૂચના
સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે ખરાબ હવામાન અને દરિયામાં તોફાની પવનની સ્થિતિ સૂચવે છે. નાગરિકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Train Cancelled : મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવાઓમાં ફેરફાર, મુસાફરી પહેલા યાદી તપાસો