Holika Dahan 2025 : ઠેર ઠેર હોલિકા દહન, ક્યાંક નાળિયેર તો ક્યાંક ગાયનાં છાણથી તૈયાર કરાઈ વૈદિક હોળી
- રાજ્યભરમાં હોળી પ્રગટાવી તહેવારની ઉજવણી કરવામાં આવી (Holika Dahan 2025)
- અમદાવાદનાં થલતેજમાં હોલિકા દહન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
- રાજકોટ, સુરત, ખેડા, પંચમહાલ, અંબાજી સહિતનાં વિસ્તારોમાં હોળી પ્રગટાવાઈ
- પાવાગઢમાં ડુંગર પર હોળી પ્રગટ્યા બાદ નજીકનાં ગામોમાં પ્રગટાવવામાં આવે છે હોળી
- અંબાજીમાં જે બાજું હોળી પડે તેનાં પરથી ચોમાસું કેવું રહેશે તે નક્કી થાય છે!
Holika Dahan 2025 : ગુજરાત સહિત દેશભરમાં આજે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન (Holika Dahan 2025) કરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ખેડા, પંચમહાલ, અંબાજી સહિતનાં વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી છે. તમામ જગ્યાએ લોકો દ્વારા હોળીનાં દર્શન કરી પૂજા કરવામાં આવી છે. આવતીકાલે લોકો એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની (Dhuleti 2025) ઉજવણી કરશે.
વર્ષો જૂની પરંપરા મુજબ મારા મતક્ષેત્રના થલતેજ વોર્ડમાં પક્ષના ઊર્જાવાન કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો સાથે વૈદિક હોળી પ્રાગટ્ય અને હોલિકાદહન કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. આ પ્રસંગે, સૌને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભકામના પાઠવી. pic.twitter.com/hAX5UavMrv
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 13, 2025
થલતેજમાં હોલિકા દહન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
અમદાવાદનાં (Ahmedabad) થલતેજ વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવ્યું છે. દરમિયાન, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હોળીનાં દર્શન કર્યા અને સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકરો સાથે ઉજવણી કરી. હોલિકા દહન માટે ગાયનાં છાણમાંથી સ્ટીક તૈયાર કરાઈ હતી. હોલિકા દહન કાર્યક્રમમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં ઠેર ઠેર વિવિધ સોસાયટી દ્વારા આજે હોળી પ્રગટાવવામાં આવી છે.
રાજકોટ પોલીસ હેડક્વાટર ખાતે હોળીની ઉજવણી કરાઈ
રાજકોટમાં (Rajkot) પણ ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી છે. શહેર પોલીસ હેડક્વાટર ખાતે પણ હોળીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન, હિન્દુ-મુસ્લિમ એકતા જોવા મળી હતી. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ (Brajesh Kumar Jha) કહ્યું કે, આજે જેમ અસત્ય પર સત્યની જીત થઈ હતી, તેમ રાજકોટમાં પણ ગુનેગારી નાબૂદ થાય અને શહેરમાં શાંતિ જળવાઈ રહે, સાથે જ આવતીકાલે લોકો ધામધૂમથી ધૂળેટી (Dhuleti 2025) ઉજવણી કરે પરંતુ, કોઈની ભાવના આહત ન થાય તેની કાળજી રાખે તે માટે કમિશનરે અપીલ કરી છે.
સુરતમાં ગાયનાં છાણમાંથી તૈયારી કરેલી સ્ટીક વડે વૈદિક હોલી તૈયાર કરાઈ
સુરતમાં (Surat) ઘોડદોડ રોડ સ્થિત પાંજરાપોળમાં હોલિકા દહન કરવામાં આવ્યું છે. ગાયનાં છાણમાંથી તૈયાર કરેલી સ્ટીક વડે વૈદિક હોળી બનાવવમાં આવી હતી. લાકડાની ગાંઠને બદલે ગોબર સ્ટીક વડે હોળી પ્રગટાવવામાં આવી. શાસ્ત્રોકત વિધિ મુજબ હોળી પ્રગટાવી મહિલાઓ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી છે. સાથે જ વૈદિક હોળી પ્રગટાવીને પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા, હોલિકા દહનનાં દર્શન કર્યા
ખેડાની (Kheda) વાત કરીએ તો યાત્રાધામ ડાકોરમાં (Dakor) હોળીનાં ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ડાકોર રણછોડજી મંદિરના મહંત ભંડારી મહારાજ દ્વારા પરંપરાગત રીતે વાજતે-ગાજતે હોળી પૂજન કરાયું, ત્યાર બાદ હોળીકા દહન કરવામાં આવ્યું છે. હોળી પ્રગટાવતા ભક્તો દ્વારા પણ પૂજન કરવામાં આવ્યું છે. દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે.
આ પણ વાંચો - Rajkot : નાનામૌવા રોડ પર સ્થાનિકો દ્વારા 15 હજારથી વધુ છાણાની હોળીકા બનાવવામાં આવી
પાવાગઢમાં ડુંગર પર નાળિયેરનો મોટો ઢગ ખડકી હોલિકા દહન કરાયું
પંચમહાલ જિલ્લામાં (Panchmahal) સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે સદીઓની પરંપરા મુજબ વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવવામાં આવી છે. પાવાગઢમાં ડુંગર પર દર વર્ષે નાળિયેરનો મોટો ઢગ ખડકી હોલિકા દહન (Holika Dahan 2025) કરવામાં આવે છે. અહીં, હોળી પ્રગટાવવા માટે માત્ર શ્રીફળનો જ ઉપયોગ કરવામાં આવે છે. પાવાગઢનાં (Pavagadh) હોલિકા દહન કાર્યક્રમમાં મંદિર ટ્રસ્ટ, સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ તેમ જ દૂર દૂરથી ભક્તો આવ્યા છે. પાવાગઢ ડુંગર પર મંદિર ખાતે હોલિકા પ્રાગટય બાદ જ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું. જણાવી દઈએ કે, સદીઓથી પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટાવ્યા બાદ જ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવાની પરંપરા છે.
આ પણ વાંચો - Holi 2025 : હોળી-ધૂળેટી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રજાજનોને શુભેચ્છાઓ, સો. મીડિયા પર કરી પોસ્ટ
અંબાજીમાં હોળી જે દિશામાં પડે તેના પરથી લગાવાય છે ચોમાસાનો અંદાજ
શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે પણ હોલિકા દહન કરવામાં આવ્યું છે. ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર આવેલા આ યાત્રાધામ ખાતે હોળી પ્રગટાવતા પહેલા મારવાડી સમાજની મહિલાઓ ઠંડી હોળીનું પૂજન કરે છે ત્યારબાદ મંદિરનાં મહારાજ દ્વારા પૂજન કરીને હોળી પ્રગટાવવામાં આવે છે. અંબાજી મંદિરનાં ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવી છે. જણાવી દઈએ કે, અહીં પ્રગટાવ્યા બાદ હોળી જે દિશામાં પડે તેના પરથી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે નક્કી થાય છે. અંબાજી ખાતે વર્ષોથી ઠાકોર સમાજ દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો - Sujok Therapy : શું 'રંગ' આરોગ્ય અને ભાવનાઓને બેલેન્સ કરે છે ? જાણો રંગોની અનોખી થેરાપી વિશે