![]()
IBL Gujarat : India vs Lebanon વચ્ચે રોમાંચક મેચ
ગઈકાલે, 5 જુલાઈના રોજ ભારત અને લેબનોન (India vs Lebanon) વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વીર સાવરકર સ્ટેડિયમમાં લગભગ 4,000 જેટલા દર્શકોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ, રોમાંચ અને દેશભક્તિના રંગોથી સરોબર કરી દીધું હતું. દર્શકોનો જોરદાર ઉત્સાહ અને ટીમ ઇન્ડિયાને મળેલું સમર્થન સમગ્ર મેચ દરમિયાન જોવા મળ્યું. મેચમાં ભારતને લેબનોન સામે 72-98 થી પરાજયનો સામનો કરવો પડ્યો, તેમ છતાં ભારતીય ટીમે સમગ્ર મેચ દરમિયાન શાનદાર રમત, અદમ્ય જુસ્સો, સમર્પણ અને લડાયક ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું.
![]()
લેબનોને શરૂઆતમાં 15 થી વધુ પોઈન્ટની સરસાઈ મેળવી હતી, પરંતુ ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં શાનદાર વાપસી કરીને અંતર નોંધપાત્ર રીતે ઘટાડ્યું અને હાફટાઈમ સુધી સ્કોર 38-48 કર્યો. આ પ્રદર્શનથી સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો. ત્રીજા ક્વાર્ટરમાં લેબનોને 27-16 થી સરસાઈ મેળવી મેચ પર ફરી સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું અને અંતે જીત નોંધાવી. ભારતીય ટીમ માટે અનેક હકારાત્મક પાસાઓ જોવા મળ્યા. ટીમે લાંબા અંતરના શોટ્સમાં સારું પ્રદર્શન કર્યું તેમજ 18 માંથી 14 ફ્રી થ્રો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા.
![]()
લેબનોનના કરીમ ઝૈનૂને શાનદાર પ્રદર્શન કર્યું
પ્રણવ પ્રિન્સ, અરવિંદ મુથુ કૃષ્ણન, અરવિંદર સિંહ અને કુશલ સિંહે મહત્વપૂર્ણ સ્કોરિંગ યોગદાન આપ્યું, જ્યારે પ્રિન્સપાલ સિંહ અને પાલપ્રીત સિંહ બ્રારે રિબાઉન્ડમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને સમગ્ર મેચ દરમિયાન જોરદાર સંઘર્ષ કર્યો. લેબનોન તરફથી કરીમ ઝૈનૂને 14 પોઈન્ટ નોંધાવી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ જીત સાથે લેબનોને 2027 માં કતારમાં યોજાનારા FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
![]()
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશને આભાર વ્યક્ત કર્યો
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન (GSBA) આ ઐતિહાસિક સ્પર્ધાના સફળ આયોજન માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (Basketball Federation of India), FIBA, ગુજરાત સરકાર (Government of Gujarat), તમામ અધિકારીઓ, સ્વયંસેવકો, આયોજકો, સહયોગીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને ઉત્સાહિત કરનાર તમામ દર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
![]()
ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરાયું
આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના સફળ આયોજનથી ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં એક નવું અને ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન રાજ્યમાં બાસ્કેટબોલના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે અને ભવિષ્યમાં પણ આવી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ ગુજરાતમાં યોજાય તે માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો- FIFA World Cup 2026 : મેક્સિકો સામેની મેચ પહેલા ઇંગ્લેન્ડના ખેલાડીઓને Viagra લેવાની મંજૂરી, કારણ ચોંકાવી દેશે