જાણીતા સિંગર Kinjal Dave ના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ! સમર્થનમાં આવ્યા કાજલ હિંદુસ્તાની
- જાણીતા સિંગર Kinjal Dave ના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ
- કાજલ હિંદુસ્તાની આવ્યા સિંગર કિંજલ દવેના સમર્થનમાં
- બ્રહ્મ સમાજે કિંજલ દવેને સમાજમાંથી કર્યા છે બહિષ્કૃત
- કિંજલ દવેએ આંતરજ્ઞાતીય લગ્ન કરતા બ્રહ્મ સમાજે કર્યો છે વિરોધ
- હિંદુઓમાં જાતિવાદને લઈને કાજલ હિંદુસ્તાનીએ વ્યક્ત કરી નારાજગી
- આપણે દેશમાં જાતિવાદ દૂર કરવા મહેનત કરીએ છીએઃ કાજલ હિંદુસ્તાની
- કેટલાક લોકો સમાજના ઠેકેદાર બની બેઠા છેઃ કાજલ હિંદુસ્તાની
- જો યુવક હિંદુ છે તો પછી સમાજને શું વાંધો છેઃ કાજલ હિંદુસ્તાની
- જો યુવક હિંદુ છે તો પછી જાતિવાદ શું કામ?: કાજલ હિંદુસ્તાની
Kajal Hindustani in support of Kinjal Dave : ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે (Kinjal Dave) પોતાના લોકસંગીતથી જેટલા લોકપ્રિય છે, તેટલો જ વિવાદ તેમના અંગત જીવનના એક નિર્ણયને કારણે સર્જાયો છે. કિંજલ દવેએ તાજેતરમાં જ તેમના લાંબા સમયના મિત્ર, એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી લેતાં આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે બ્રહ્મ સમાજમાં ઉગ્ર વિરોધનો સૂર ઉઠ્યો છે. આ વિવાદને પગલે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારને સમાજમાંથી બહિષ્કૃત કરવાનો આકરો નિર્ણય લીધો છે.
સમાજે કિંજલ દવેના પરિવારને કર્યા બહિષ્કૃત
પ્રાપ્ત માહિતી અનુસાર, કિંજલ દવે (Kinjal Dave) એ ગુપચૂપ રીતે પોતાના નિકટના લોકોની હાજરીમાં ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી હતી. આ ઘટના સામે આવતા જ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજમાં ઉગ્ર વિરોધનો સૂર ઉઠ્યો હતો. બનાસકાંઠાના કાંકરેજના શિહોરી ખાતે સમાજની એક બેઠક મળી હતી, જેમાં કિંજલ દવેના આંતરજ્ઞાતીય સંબંધોને લઈને તેમના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજની બહાર કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. સમાજે જાહેરાત કરી છે કે બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કડક પગલાં લેવામાં આવશે અને તેમને સમાજના કોઈ પણ પ્રસંગમાં સામેલ નહીં કરાય.
કાજલ હિંદુસ્તાનીએ વ્યક્ત કરી નારાજગી, કર્યું Kinjal Dave નું સમર્થન
કિંજલ દવેના પરિવારના સામાજિક બહિષ્કારના આ નિર્ણય બાદ રાષ્ટ્રીય હિન્દુવાદી નેતા કાજલ હિંદુસ્તાની સિંગરના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે બ્રહ્મ સમાજના આ વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે અને દેશમાં ફેલાયેલા જાતિવાદ પર સવાલો ઉઠાવ્યા છે. કાજલ હિંદુસ્તાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "જો યુવક હિંદુ છે, તો પછી સમાજને શું વાંધો છે? જો યુવક હિંદુ છે, તો પછી જાતિવાદ શું કામ?" તેમણે બ્રહ્મ સમાજના કેટલાક નેતાઓને આડે હાથ લેતા કહ્યું કે, "કેટલાક લોકો સમાજના ઠેકેદાર બની બેઠા છે. આપણે એક તરફ દેશમાં જાતિવાદ દૂર કરવા માટે મહેનત કરીએ છીએ, ત્યારે કેટલાક લોકો હિંદુઓમાં જ જાતિવાદને લઈને નારાજગી વ્યક્ત કરે છે અને આ પ્રકારના નિર્ણયો લે છે."
જાતિવાદ ભૂલીને એક થવું જોઈએ : કાજલ હિન્દુસ્તાની
કાજલ હિંદુસ્તાનીએ પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, જ્યારે દેશ અને ધર્મની વાત આવે છે, ત્યારે જાતિવાદ ભૂલીને એક થવું જોઈએ. કિંજલ દવેના આંતરજ્ઞાતીય લગ્નને લઈને બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધને તેમણે હિંદુ ધર્મમાં જોવા મળતા આંતરિક જાતિવાદનું ઉદાહરણ ગણાવ્યું હતું. સમગ્ર ઘટનાએ ગુજરાતના સામાજિક મોરચે ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં પરંપરાગત સમાજ અને આધુનિક યુગના યુવાનોના વ્યક્તિગત અધિકારો વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : લોકપ્રિય સિંગર કિંજલ દવેના પરિવારના વિરોધમાં બ્રહ્મ સમાજમાં સૂર ઉઠ્યો