Ahmedabad Plastic Raincoats : અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ હવે માત્ર ઠંડક કે વરસાદ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે લોકોના સ્વાસ્થ્ય માટે મુસીબતો લઈને આવી છે. ચોમાસાના ભેજવાળા વાતાવરણ વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ત્વચા અને ફંગલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં અકલ્પનીય વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલના સ્કિન ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. ડો. ક્રિના પટેલ ના જણાવ્યા અનુસાર, હાલ હોસ્પિટલમાં રોજના આશરે 100 જેટલા દર્દીઓ માત્ર ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા લઈને આવી રહ્યા છે.
ભેજ અને પરસેવો બન્યા મુખ્ય દુશ્મન
ચોમાસામાં સતત રહેતા ભેજવાળા વાતાવરણ અને પરસેવાને કારણે શરીરમાં 'દાદ' (ફંગલ ઇન્ફેક્શન) નું જોખમ અનેકગણું વધી જાય છે. તબીબોના મતે, આ ચેપ શરીરના ખાસ કરીને બગલ, જાંઘની વચ્ચે, ગુપ્તાંગની આસપાસ અને શરીરના અન્ય વળાંકવાળા ભાગોમાં સૌથી વધુ જોવા મળે છે, જ્યાં પરસેવો વધુ વળે છે અને હવા સારી રીતે નથી મળી શકતી. આ ઉપરાંત, ભીના અથવા ચોમાસામાં સારી રીતે ન સુકાયેલા કપડાં પહેરવાથી પણ આ ફંગલ ચેપ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. ચોમાસાની આ સિઝનમાં ફંગલ ઇન્ફેક્શન ઉપરાંત ગુમડા, ફોલ્લીઓ અને અન્ય બેક્ટેરિયલ ચેપના કેસોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.
ત્વચાની એલર્જીનું મોટું કારણ બની શકે છે સસ્તા રેઈનકોટ
અમદાવાદ શહેરમાં હાલ ચોમાસાની સિઝન વચ્ચે ત્વચા નિષ્ણાતોએ એક અત્યંત મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. જો તમે પણ વરસાદથી બચવા માટે ફૂટપાથ પર મળતા રૂપિયા 100 કે તેથી ઓછી કિંમતના સસ્તા પ્લાસ્ટિકના રેઈનકોટનો ઉપયોગ કરો છો, તો હવે સાવચેત થઈ જવાની જરૂર છે.
સોલા સિવિલ હોસ્પિટલના સ્કિન ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. ડો. ક્રિના પટેલના જણાવ્યા અનુસાર, બજારમાં મળતા નીચી ગુણવત્તાવાળા અથવા વધુ રંગવાળા પ્લાસ્ટિકના રેઈનકોટ ત્વચા માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી ભીનો રેઈનકોટ પહેરી રાખવાથી અથવા તેમાં પરસેવો ભરાવાથી ગળા, હાથ અને શરીર પર લાલ ચાઠા, ખંજવાળ અને ત્વચામાં ભારે ઇરિટેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
સસ્તા પ્લાસ્ટિકના મટીરિયલ અને ભેજને કારણે બેક્ટેરિયલ તથા ફંગલ ઇન્ફેક્શનનું જોખમ અનેકગણું વધી જાય છે, જે ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ફૂટવેર પણ બની રહ્યા છે જોખમી
તેની સાથે જ, લાંબા સમય સુધી બંધ જૂતાં અથવા પ્લાસ્ટિકના ફૂટવેર પહેરવાથી પગ અને નખમાં પણ ફૂગ લાગવાનું જોખમ રહે છે. જો નખમાં ફંગલ ચેપ લાગે, તો નખનો રંગ બદલાવા લાગે છે, નખ જાડા થઈ જાય છે અને નખની નીચે જાડી ચામડી જમા થઈ શકે છે.
ચેપ ફેલાવવાની સંભાવના અને તબીબી સલાહ
ફંગલ ઇન્ફેક્શન એ એક એવો ચેપ છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે તેથી, નિષ્ણાત તબીબો ખાસ સલાહ આપે છે કે ક્યારેય પણ ટુવાલ, કપડાં કે અન્ય અંગત વસ્તુઓ અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ.
![Ahmedabad Wearing Low-Quality Raincoats- Gujarat First]()
ડો. ક્રિના પટેલની મહત્વની માર્ગદર્શિકા
જો શરીર પર ખંજવાળ, લાલ ચાઠા, દાદ કે નખમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાય, તો મેડિકલ સ્ટોરેજમાંથી જાતે જ કોઈ દવા કે મલમ લઈને સ્વઉપચાર (Self-treatment) કરવાનું ટાળો.
સારી ગુણવત્તાના અને બ્રાન્ડેડ રેઇનકોટનો જ ઉપયોગ કરો.
ભીનો રેઇનકોટ લાંબા સમય સુધી શરીર પર પહેરી ન રાખો અને જરૂર હોય એટલો જ સમય તેનો ઉપયોગ કરો.
રેઇનકોટ ઉતાર્યા બાદ તરત જ સ્નાન કરો અથવા હાથ-પગ અને ત્વચાને સારી રીતે સાફ કરીને સૂકી રાખો.
જો ચામડી પર કોઈપણ પ્રકારની એલર્જી કે રિએક્શન જણાય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તુરંત જ ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો.
કપડાં હંમેશાં સંપૂર્ણપણે સૂકવીને જ પહેરો અને અંગત સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો.
આ પણ વાંચો: Patan News: પાટણમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, 5 વર્ષીય માસૂમ બાળકનું મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું